ક્રિકેટ વર્લ્ડ કપ અને તેની ફાઈનલ મેચ માટેના જે હેતુઓ આમ લાગતા હતા તે સફળ થઈ ગયા એમ કહેવાય એટલે વર્લ્ડ કપ ના મળ્યાનો આમ કંઈ અફસોસ કરવા જેવો નથી
ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન થયું ત્યારે કેટલીક ગણતરીઓ હતી તે પાર પડી છે અને સમગ્ર રીતે વર્લ્ડ કપ સફળ રહ્યો છે. તેમાં ફાઇનલ જીતી ગયા હોત અને વર્લ્ડ કપ પણ મળ્યો હોત તો તે સોનામાં સુગંધ ભળી ગણાય હોય. એટલે સમગ્ર રીતે ભારત માટે 2023 વર્લ્ડ કપ સફળ કહેવાય અને કપ ના મળ્યો તેમાં કંઈ બહુ મોટો અફસોસ કરવા જેવું લાગતું નથી.
દાખલા તરીકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનને હરાવવાનું હતું અને તે બહુ સારી રીતે હરાવી દેવાયું. એટલે ટુ થર્ડ કામ તો ત્યારે જ થઈ ગયું હતું. ફાઈનલ મેચ વખતે એ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયામાં જીતી ગયા હોત તો ખૂબ સારું થાત, પણ સામે ઓસ્ટ્રેલિયા હતું એટલે તેને હરાવીને પછી મનાવી મનાવીને કેટલી ખુશી મનાવી શકાય? ખુશી તો થાય, પણ પેલી પાકિસ્તાનને પરેશાન કરવાની મજા જ કંઈ ઓર છે. દાખલા તરીકે એશિયા કપનું આયોજન થયું ત્યારે યજમાન તો પાકિસ્તાન હતું. પણ પાકિસ્તાનમાં મેચો રમી શકાય તેવું નથી. ત્રાસવાદી દેશોમાં કોઈની સલામતી નથી તે જગત સામે સાબિત કરી શકાયું છે. બીજા દેશના ક્રિકેટરો પણ ત્યાં રમવા જવા તૈયાર નહોતા. બીજું ભારતમાં કાયદાનું શાસન ચાલે છે અને અહીં પોલીસ પ્રોફેશનલ છે. અહીં લાખોની મેદની વચ્ચે પણ સલામતી સાથે ક્રિકેટ રમી શકાય છે. ભારતની ટીમ હારી જાય તે પછીય ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ખુશી મનાવી શકે છે અને ભારતના સવા લાખ ક્રિકેટ ચાહકો જે શિસ્ત દાખવે છે તે વિશ્વની સૌથી સશક્ત લોકશાહીને શોભે તેવું છે. એટલે કટાક્ષમાં નહીં પણ સાચા અર્થમાં ભારતે વર્લ્ડ લેવલની ટુર્નામેન્ટનું સારામાં સારી આયોજન કરી બતાવ્યું અને વધુ એક વાર સાબિત કરી આપ્યું.
કટાક્ષ એ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ઘૂંટણીયે પાડી દેવાયું, તેમને અમદાવાદમાં જ નક્કી તારીખે મેચ રમવા મજબૂર કર્યાનું, નક્કી કરેલા શહેરોમાં જ ચૂપચાપ તેમને રમતા રહેવા માટે મજબૂર કરવા માટેનો જે તમાશો કરાવાનો હતો તે પણ થઈ ગયો. એટલે આયોજન સફળ થયું જ કહેવાય. બીજું જે હિસાબ થયો છે તે પણ ધંધાની રીતે સફળ જ છે. કુલ 22,000 કરોડ રૂપિયા ભારતીય ક્રિકેટ બોર્ડે રળી લીધા છે. 12,000 કરોડ રૂપિયા તો માત્ર ટીવી પ્રસારણના હકમાંથી જ મળ્યા છે. આ સીધી કમાણી છે અને પોતપોતાની રીતે સોશ્યલ મીડિયામાં અનેક લોકોએ પોતાની રીતે કમાણી કરી એ ભારતીય નાગરિકોની સ્વતંત્ર કમાણી થઈ. એક ફોટો પણ બીજું કોઈ દેખાડી ના શકે એટલી ચૂસ્ત તકેદારી સાથે રાઇટ્સ લેવાયા હોય છે અને એટલે જ 12,000 કરોડ રૂપિયા આપ્યા હોય. પણ ભારતીયો અને આપણા ગુજરાતીઓ અદ્દલ વેપારીઓ છે અને રસ્તા કાઢી લે. સટ્ટા અને બેટિંગ સહિત કેટલા હજાર કરોડ રૂપિયા કમાઈ લીધા એ જુદા. વર્લ્ડ કપ લાવીને શું કરવાનું – ખણખણિયા આવવા જોઈએ અને તે આવ્યા. મોટા સ્ક્રીન ગોઠવીને મેચો જોવા માટે મેળાવડા કરવાના, હોટેલમાં વ્યવસ્થાઓ કરવાની તે બધાને કારણે 5000 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. વિદેશમાં વર્લ્ડ કપ રમાતો હોય ત્યારે પણ આ બધી કમાણી થતી હોય છે, પણ ઘરઆંગણે રમાતો હોય ત્યારે ઉત્સાહ વધારે હોય છે. બીજું કે અમદાવાદમાં મેચ હોય ત્યારે અમદાવાદને અલગથી કમાણી થાય છે. ટિકિટના વેચાણમાંથી 2000 કરોડ જેટલી આવક થઈ હશે.
બીજું વ્યક્તિગત સિદ્ધિઓની તો વાત જ ના કરો. વિરાટ કોહલીએ બ્રાન્ડ વેલ્યૂ વધારી જ લીધી. ફાઇનલ મેચની કોઈને પડી નહોતી, પરંતુ કોલકાતામાં જન્મદિને વિરાટ કોહલી રમે ત્યારે તેની 50મી સદી થઈ જવી જોઈએ તે માટે સુનીલ ગાવસ્કર પણ થનગનતો હતો. ગાવસ્કર ક્રિકેટની કમાણીનો અસલી ખેલાડી છે અને આજેય રમી રહ્યો છે. તેની સામે જુઓ કપિલ દેવ એક ટીવી સ્ટુડિયોમાં બેઠો હતો. (કપિલ દેવે પણ બહુ ધંધા કરી લીધા છે, પણ ઠીક હવે…) કપિલ દેવને પૂછ્યું કે કેમ ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ નથી ગયા, ત્યારે કપિલ દેવે કહ્યું કે તમે મને બોલાવ્યો એટલે અહીં બેઠો છું. એ લોકોએ મને બોલાવ્યો નહોતો એટલે ના ગયો. એઝ સિમ્પલ એઝ ધેટ.
આવડો મોટો પ્રસંગ હોય, આટલી દોડધામ હોય, કેટલા વાના કરવાના હોય ત્યારે કેટલુંક ભૂલાઈ જાય એવું પણ કપિલ દેવે ઉમેર્યું અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એ બધા નિતનવા વાના આપણે જોયા એટલે તેમની વાત સાચી પણ લાગી. કેટલું બધું આયોજન કરવાનું હતું અમદાવાદની મેચનું … વિમાનો ઉડાડવાના હતા વગેરે એટલે કપિલ દેવ કે અગાઉ વર્લ્ડ કપ લાવી શકનારાને બોલાવાનું ભૂલાઈ ગયું હોય તે સહજ છે. તેમાં કટાક્ષ નથી. કટાક્ષ એ છે કે ફાઇનલના દિવસે મેચ જીતવા માટે શું પ્રોટોકોલ પાળવાનો છે તે પળોજણ કરવાને બદલે ખેલાડીઓ કપિલ દેવ અને ધોની સાથે વાતચીતમાં મગ્ન રહી શક્યા હોત. પણ તમાશા કરવાના હોય ત્યાં નિરસ વાતોનો કોઈ અર્થ નથી હોતો, બહુ બધા વીવીઆઈપી પ્રોટોકોલ પાળવાના હોય એટલે પછી શું થાય…
તમે જુઓ પીચ જોવા માટે, મેદાનની સ્થિતિ જોવા માટે ભારતનો કેપ્ટન રોહિત શર્મા પણ આગલા દિવસે સ્ટેડિયમ પર ગયો હતો. પીચ વિશેનો કેટલોક ગણગણાટ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે પણ કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કોચને અમદાવાદની પીચ વિશે પત્રકારોએ પ્રશ્નો પણ પૂછ્યા હતા અને રાહુલ દ્રવિડે કહ્યું હતું ના ઝાળકની એવી કોઈ સમસ્યા નથી. પછી એવુંય કહ્યું કે આ પીચ પર 30થી 40 રન વધારે જરૂર હતી. બીજી બધી ગણતરીઓ આ ટુર્નામેન્ટમાં પાકી થઈ હતી એટલે કોચનું આ ગણિત કેટલું કાચું હતું તેની ચર્ચાનો કોઈ અર્થ ના રહ્યો. ઓસ્ટ્રેલિયા પાસે 42 દડા વધ્યા હતા એટલે બીજા 40 રન કરીને પણ શું થયું હોત? બીજું પીચના જવાબો પત્રકારોને આપીને કામ પૂરું થઈ ગયું, જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આ પીચમાં શું કરી શકાય તેનું પ્લાનિંગ કરી નાખ્યું. એટલે ઓસ્ટ્રેલિયાને તેમનું પ્લાનિંગ ફળ્યું, જ્યારે ભારતે સમગ્ર રીતે જે આયોજન કર્યું હતું તે પાર પડ્યું એટલે તે ફળ્યું. ફાઇનલ જીતવા માટેનું પ્લાનિંગ કદાચ નહોતું થયું, કેમ કે વિમાનો ઉડાડવા સહિતનું લાંબુલચક આયોજન વધારે મહત્ત્વનું હતું અને તે સફળ રહ્યું. કમાણી અને તમાશા માટેનું સમગ્ર પ્લાનિંગ સફળ થયું છે એટલે ફાઇનલ મેચમાં ના જીત્યા એ કંઈ અફસોસની વાત નથી.