દેશમાં હાલ એકસાથે 7 બીમારીઓનો ખતરો જોવા મળી રહ્યો છે. જેમાં મોટાભાગના રોગ વાયરસના કારણે થઈ રહ્યા છે. આ વાયરસ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મંકીપોક્સ, નિપાહ, ચાંદીપુરા અને સ્વાઈન ફ્લૂ છે. જેમાં મેલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
દર્દીઓને ટ્રેસ કરવાથી ટેસ્ટિંગ કરવા સુધીની જાગૃતિ
ત્યારે આરોગ્યા મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારોને તેમની સાથે વ્યવહાર કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. જેને લઈને તમામ રાજ્યો દ્વારા આ રોગોને ફેલાવતા રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા દર્દીઓને ટ્રેસ કરવાથી ટેસ્ટિંગ કરવા સુધી જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં વધારો
મહત્વનું કહી શકાય કે, દેશમાં સૌથી મોટો ખતરો મચ્છરોથી થતા રોગોનો છે. સમગ્ર દેશમાં મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે રાજધાની દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે બે લોકોના મોત થયા છે, MCD અનુસાર 650 કેસ નોંધાયા છે.
રાજ્ય સરકારની ચિંતામાં વધારો
હરિયાણામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. હરિયાણામાં છેલ્લા 4 વર્ષમાં મેલેરિયાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગયા વર્ષે ત્યાં 83 કેસ નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ રાજ્યમાં 123 કેસ નોંધાયા છે. જેને જોઈને રાજ્ય સરકારની ચિંતા વધી રહી છે.
કેરળ અને પુણેમાં ડેન્ગ્યુના કેસ વધ્યા
2015માં મેલેરિયાના કારણે ત્રણ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળમાં પણ ડેન્ગ્યુના કેટલાક કેસ સામે આવી રહ્યા છે. તે જ સમયે, એકલા સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્રના પુણેમાં ચિકનગુનિયાના 90 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાંથી પણ ચિકનગુનિયાના કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે.
મંકીપોક્સ
ભારતમાં મંકીપોક્સનો એક ચેપગ્રસ્ત દર્દી મળી આવ્યો છે, પરંતુ આ વાયરસના કેસ વધવાનો ભય છે. મંકીપોક્સને લઈને સરકાર એલર્ટ પર છે. મંકીપોક્સ વાયરસ વાંદરાઓથી માણસોમાં ફેલાય છે. આ પછી તેનું ટ્રાન્સમિશન એક વ્યક્તિથી બીજામાં થયું. દક્ષિણ આફ્રિકામાં આ વર્ષે મંકીપોક્સના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય કેટલાક અન્ય દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા હતા. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ મંકીપોક્સને જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું હતું.
સ્વાઈન ફ્લૂ
દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં પણ સ્વાઈન ફ્લૂ વાયરસના કેસ વધી રહ્યા છે. આ વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. તેના લક્ષણો પણ ફ્લૂ જેવા હોય છે, પરંતુ પછીથી તે ખતરનાક બની જાય છે. વરસાદની ઋતુમાં સ્વાઈન ફ્લૂના કેસ પણ જોવા મળે છે. આ રોગ કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.
નિપાહ
દેશમાં કેટલાક જૂના વાયરસ ફરી સક્રિય થઈ રહ્યા છે. તાજેતરમાં કેરળમાં નિપાહ વાયરસના કારણે એક દર્દીનું મોત થયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કેરળમાં નિપાહ વાયરસના કારણે બે દર્દીઓના મોત થયા છે. નિપાહ એ ડુક્કર અને ચામાચીડિયા દ્વારા ફેલાતો રોગ છે. શરૂઆતમાં તેના લક્ષણો ફ્લૂ જેવા હોય છે, પરંતુ જો તેને યોગ્ય સમયે કાબૂમાં લેવામાં ન આવે તો તે મગજ પર પણ અસર કરે છે. આ સ્થિતિમાં તે જીવલેણ બની જાય છે. કેરળમાં નિપાહ વાયરસ આવ્યા બાદ અન્ય રાજ્યોમાં પણ તેનો ફેલાવો વધવાનો ખતરો છે.
ચાંદીપુરા વાયરસ
થોડા મહિના પહેલા ગુજરાતમાંથી શરૂ થયેલા ચાંદીપુરા વાયરસના કેસો દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ જોવા મળ્યા હતા, જો કે હવે આ વાયરસના કેસ ઓછા થયા છે, પરંતુ ખતરો હજુ પણ યથાવત છે. ચાંદીપુરા વાયરસ મગજ પર પણ અસર કરે છે. આ તાવના વધુ કેસો બાળકોમાં જોવા મળે છે. આ વર્ષે ચાંદીપુરામાં 20થી વધુ બાળકોના મોત થયા છે.
શા માટે વધી રહ્યા છે આ રોગોના કેસ?
વરસાદની સિઝનમાં અનેક પ્રકારના વાયરસ એક્ટિવ થઈ જાય છે. જેના કારણે આ રોગો ફેલાય છે. મંકીપોક્સ ઘણા દેશોમાં ફેલાય છે, પરંતુ ભારતમાં તેનો ખતરો ઓછો છે. ચાંદીપુરા વાયરસના કેસ પણ હવે ઘટી રહ્યા છે. કેરળમાં નિપાહના કિસ્સાઓ સામે આવે છે. નિપાહ એક ખતરનાક વાયરસ છે જે મગજને અસર કરે છે. આ કારણે તે મૃત્યુનું કારણ બને છે.
આ રોગો કેવી રીતે ફેલાય છે?
જ્યારે મેલેરિયા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે, જ્યારે ડેન્ગ્યુ તાવ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. મોટાભાગના લોકોમાં ડેન્ગ્યુ થોડા દિવસોમાં મટે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે. મેલેરિયા અને ચિકનગુનિયા પણ થોડા દિવસોમાં મટી જાય છે. પરંતુ તેમ છતાં, તેમના લક્ષણોની સમયસર ઓળખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણેય રોગોમાં સૌથી સામાન્ય લક્ષણ તાવ છે. પરંતુ તેમની વચ્ચેના તફાવતને ઓળખવું પણ મહત્વપૂર્ણ છે.
આ રોગોની તપાસ કરાવવી જોઈએ
આ તમામ રોગોના શરૂઆતના લક્ષણો લગભગ સમાન હોય છે. જેમાં તાવ સૌથી વધુ જોવા મળે છે. જો તમે આ વાયરસથી પ્રભાવિત વિસ્તારોમાં રહો છો અને લક્ષણો દેખાડી રહ્યા છો, તો ચોક્કસપણે પરીક્ષણ કરાવો. મંકીપોક્સ, નિપાહ, ચાંદીપુરા અને સ્વાઈન ફ્લૂ વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી. જે વિસ્તારોમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે ત્યાંના લોકોએ ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા અંગે કોઈ બેદરકારી રાખવી જોઈએ નહીં. તાવ આવે તો આ ત્રણ રોગોની તપાસ કરાવવી જોઈએ.