સિવીલની બહાર કોંગ્રેસના નગરસેવકો અને સ્થાનીકોએ કોંગી ધારાસભ્ય, પાલીકાના શાસકો અને અધિકારીઓ વિરૂધ્ધ રોષભેર સુત્રોચ્ચાર પોકાર્યા
તંત્ર જ્યાં સુધી સમસીયાના ઉકેલની ખાત્રી ન આપે ત્યાં સુધી મૃતદેહો ન સ્વીકારવાની જીદ પકડી લોકો ધરણા ઉપર બેસી ગયા
વેરાવળમાં છેલ્લા ચાર દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે વોર્ડ નં.5 અને 6 માં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આજે બપોરે આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં આકસ્મિક રીતે ડુબી જવાથી બે મિત્રોના કરુણ મૃત્યુ નિપજિયાની કરૂણ ઘટના બની હતી. જેના કારણે આ વિસ્તારમાં રહેતા લઘુમતી સમાજના લોકોમાં રોષ પ્રસર્યો હતો. આ ઘટના કુદરતી નહીં પણ માનવસર્જિત હોવાનો મુસ્લિમ સમાજના પટેલ અને નગરસેવકએ આક્ષેપ કરીને કોંગ્રેસના ધારાસભ્ય, પાલિકાના શાસકો અને અધિકારીઓ સામે સપરાધ માનવ વધનો ગુનો નોંધવા માંગ કરી હતી અને જ્યાં સુધી આ બંન્ને વોર્ડમાં પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાત્રી જવાબદારો દ્વારા નહીં અપાય ત્યાં સુધી બંન્ને મૃતદેહો સ્વીકારવાની ના પાડી દીધી હતી. જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વેરાવળના વોર્ડ નં.5 અને 6 માં 40 થી વધુ સોસાયટીઓમાં ચાલીસ હજારથી વધુ લોકોનો વસવાટ છે. ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે બંન્ને વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હોવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાથી આજે કરૂણ ઘટના બની છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે એકાદ વાગ્યે શાહી ગરાસ સોસાયટીમાં મહેક સ્કુલની બાજુમાં ભરાયેલા વરસાદી પાણીમાં અલ્ફાઝ અમીન પંજા (ઉ.વ.18) અને દાનિશ ગફાર ખોખર (ઉ.વ.18) બંન્ને રહે.શાહીગરા કોલોનીવાળા મિત્રોના અકસ્માતે ડુબી ગયા હતા. જેની જાણ થતાં ફાયરના તરવૈયાઓ અને સ્થાનીકોએ પાણીમાં ઝંપલાવીને શોધખોળ હાથ ધરતા એકાદ કલાક બાદ બંન્ને મળી આવ્યા હતા. બંન્નેને સિવીલ હોસ્પીટલએ લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પીએમ હાથ ધર્યુ હતુ. આ ઘટનામાં બંન્ને મિત્રોના કરૂણ મૃત્યુ નિપજયાના સમાચાર શહેરભરમાં પ્રસરી જતા લોકોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
તો બીજી તરફ આ ઘટના કુદરતી નહીં તંત્ર અને જવાબદારોની બેદરકારીના લીધે બની હોવાને લઈ સિવીલ હોસ્પીટલના પીએમ રૂમની બહાર નગરસેવક અને મુસ્લીમ સમાજના પટેલ અફઝલભાઈ પંજા સહિત કોંગ્રેસના નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનીક લોકો ધરણા પર બેસી જઈ સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા, પાલીકાના ભાજપના શાસકો અને અધિકારીઓ વિરૂધ્ધ રોષભેર સુત્રોચ્ચાર પોકાર્યા હતા. જો કે, મોડેથી સાંજે સાતેક વાગ્યે પ્રાંત અધિકારી વિનોદ જોશીએ રૂબરૂ મુલાકાત લઈને બંન્ને વોર્ડની સમસીયાના ઉકેલ લાવવા માટે તંત્ર વતી ખાત્રી આપતા આગેવાનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા.
આ વિસ્તારના નગરસેવક અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ ઘટનાને લઈ જવાબદાર તંત્ર પર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા બંન્ને વોર્ડમાં પ્રતિવર્ષ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને નિર્દોષ માનવ જીવનો ભોગ લેવાય છે. જેમાં ગયા વર્ષે પણ બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજેલ અને આજે પણ બે યુવકોના પાણીમાં ડુબી જવાથી કરુણ મૃત્યુ થયા છે. આ કોઈ કુદરતી આફત નથી પરંતુ માનવસર્જીત છે. આ આફત માટે પાલીકા તંત્ર અને અમે ચૂંટેલા ધારાસભ્ય વિમલ ચુડાસમા જવાબદાર છે. આ જવાબદાર તંત્રના અધિકારીઓ અને રાજકારણીઓ સામે માનવ હત્યાનો કેસ કરી પગલા લેવામાં આવે તેવી માંગ દોહરાવી હતી.