ભારતભરમાં કેટલાંય વિશાળ પ્રાચીન-અર્વાચીન મંદિરો આવેલાં છે. આ પૈકીનાં મોટાભાગનાં મંદિરોમાં આજે પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમજ આ પ્રાચીન-અર્વાચીન મંદિરોની વ્યવસ્થિતપણે જાળવણી પણ કરવામાં આવે છે.
ઓરિસ્સામાં પણ કેટલાંક પ્રાચીનતમ મંદિરો આવેલાં છે. જેમાં કોર્ણાક, જગન્નાથ અને લિંગરાદ જેવાં પ્રાચીનતમ મંદિરો આવેલાં છે. અહીં માત્ર ભારતના જ શ્રદ્ધાળુઓ નહીં, પરંતુ વિદેશમાંથી પણ પર્યટકો અને શ્રદ્ધાળુઓ આ મંદિરોના દર્શનાર્થે અને તેમની ભવ્યતા જોવા આવે છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર છે, જે ખૂબ જ મોટું અને વિશાળ છે. અહીંથી માત્ર એકાદ કિમી. દૂર પરશુરામેશ્વર મંદિર આવેલું છે, જે રાજ્યના સૌથી જૂના અને સૌથી સંરક્ષિત મંદિરો પૈકીનું એક ગણવામાં આવે છે.
ભુવનેશ્વર શહેર મંદિરોના પર્યાય તરીકે પણ પ્રસિદ્ધ છે. એક રિપોર્ટ પ્રમાણે સદીઓ પહેલાં અહીં સાત હજારથી પણ વધુ મંદિરો હતાં અને હવે અહીં અંદાજિત સાતસો જેટલાં મંદિરો જોવા મળે છે, તેથી જ આ શહેરને મંદિરોના શહેર તરીકે વિશેષ ઓળખવામાં આવે છે. ઈતિહાસમાં જણાવ્યા પ્રમાણે 7મી અને 13મી સદીની વચ્ચે ઓરિસ્સામાં ભૌમકારા, સોમવંશી અને પૂર્વી ગંગ જેવા અનેક રાજવંશો દ્વારા અહીં અઢળક મંદિરોનું આયોજનબદ્ધ નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ રાજવંશોએ આ વિસ્તારોમાં ઘણાં વર્ષો સુધી રાજ કર્યું હતું. આ રાજાઓમાં શૈલોભ્દવ રાજવંશ પણ હતા, જેમણે 7મી અને 8મી સદીની આસપાસ આ પરશુરામેશ્વર મંદિર બનાવ્યું હતું. શૈલોભ્દવ રાજવંશની ચર્ચા ભારતભરમાં થતી હતી. આ રાજવંશે અંદાજિત છઠ્ઠી સદીથી લઇને આઠમી સદી સુધી શાસન કર્યું હતું. ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે શૈલોભ્દવ શરૂઆતમાં ગૌડ રાજા શશાંકના સામંતો હતા. જોકે, કાળક્રમે તેમણે સાતમી સદીના મધ્યમાં જ પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધા હતા. અલબત્ત, તેમનું શાસન ખૂબ લાબું ચાલ્યું નહીં. તેઓ પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં શાસન કરતા હતા. તેમનું મૂળ ક્ષેત્ર કોંગોડા-મંડલા હતું, જેને હાલના સમયમાં ગંજમ, પુરી અને ખોરધા તરીકે ઓળખવામાં આવે છે.
પરશુરામેશ્વર મંદિરનું નિર્માણ
પરશુરામેશ્વરનો અર્થ પરશુરામ ભગવાન થાય છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામના રૂપમાં શિવજીનું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અહીં પરશુરામે આકરી તપસ્યા કરી હતી ત્યારે શિવજીની કૃપા થઇ હતી. મૂળ આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. એક ઐતિહાસિક રિપોર્ટ પ્રમાણે આ ઓરિસ્સાનું પહેલું મંદિર છે જેમાં જગમોહન/સભાગાર (ઓડિટોરિયમ) પણ છે. મૂળ આ ઓડિટોરિયમ ઓરિસ્સાનાં મંદિરોની વિશેષતા હોય છે. આ શિવમંદિરમાં અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે.
મંદિરમાં જોવા મળતી અન્ય મૂર્તિઓ
પરશુરામેશ્વર મંદિરને ભુવનેશ્વરના પ્રથમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં સપ્ત માત્રિરિકા એટલે કે સાત દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે. આ તમામ મૂર્તિઓ પૂજવામાં આવે છે. આ દેવીઓ ઊર્જા-શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે, બ્રાહ્મણી બ્રહ્માથી, વૈષ્ણવી વિષ્ણુથી, માહેશ્વરી શિવથી, ઈન્દ્રાણી ઇન્દ્રથી, કૌમારી સ્કંદથી, વારાહી વરાહથી અને ચામુંડા દેવી. આ તમામ દેવીઓને શક્તિની દેવી માનવામાં આવે છે. આ સિવાય મંદિરની ઉત્તરની દીવાલ પર ભગવાન ગણેશ અને વીરભદ્રની મૂર્તિ પણ જોવા મળે છે.
મંદિરમાં જોવા મળતું સહસ્ત્રલિંગ
આ મંદિરની અન્ય વિશેષતા અહીંનાં સહસ્ત્ર શિવલિંગ છે. એટલે કે હજાર શિવલિંગ. મંદિરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક શિવલિંગની નજીક 20ની હરોળમાં નાનાં-નાનાં શિવલિંગો જોવા મળે છે, જે જોઇને સૌ કોઇ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.
મંદિરમાં જોવા મળતી અન્ય મૂર્તિઓ
આ મંદિરોમાં મૂર્તિઓ ઘણી જ જોવા મળે છે. ઉપરોક્ત જણાવ્યા સિવાયની અન્ય મૂર્તિઓમાં આઠ ભુજાઓ ધરાવતા અર્ધનારીશ્વર, મોર પર સવાર કાર્તિકેય, શિવ-પાર્વતીના વિવાહ, નટરાજની મૂર્તિઓ, નર્તકો ઉપરાંત સંગીત સાથે સંકળાયેલાં વાંસળી, ઢોલ અને અન્ય વાદ્યયંત્ર વગાડતી મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે.
મંદિરમાં ઉજવાતા તહેવારો
આ મંદિરમાં શારદીય નવરાત્રિ, મહાશિવરાત્રિ, શ્રાવણ માસ અને દિવાળી ભક્તિભાવથી ઊજવવામાં આવે છે. અહીં મુખ્ય ધાર્મિક તહેવારોમાં મેળાનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે.