કોઇ એક અધિકારી આખી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર કરી જ ન શકે : સિસ્ટમમાં અનેક કાળા ઘેટા હોવાની ફરીયાદ
સી.બી.આઇ.ની કામગીરી મિડિયા સુધી ન પહોંચે તે માટે એડિશ્નલ કમિશ્નરે જ સબંધિત અધિકારીઓને કેમ તાકિદ કરી ?
શું ટોચના અધિકારીઓ આવા લાંચિયા અધિકારીને છાવરવા માટે મિડિયાથી ઓઝલ પડદો રાખતાં હતાં?
જીએસટીના ભ્રષ્ટાચાર માટે એક ગ્રેવિયન્સ પોર્ટલ રાખવુ જોઇએ :જેમાં પૂરાવા વગરની ફરિયાદો ઉપર પણ ધ્યાન આપવું જોઇએ
રાજકોટમાં હાલ ટીઆરપી કાંડને પગલે ખુલેલા ભ્રષ્ટાચારની ચોમેર ચર્ચા છે. સ્થાનિક રાજય સરકારની કચેરીઓ,મનપાની કચેરીઓ અને પોલીસની કચેરીઓમાં થતી ગેરરીતિ મિડિયામાં વધુ મુખર થતી હોય છે. જયારે કેન્દ્ર સરકારની કચેરી અને સ્ટેટ જીએસટી તથા ડાઇરેકટ ટેકસીસની કચેરીઓમાં થતી ગેરરીતિ મિડિયામાં એટલી મુખર નથી થતી. અહિં પ્રાઇવસીના નામે ખુબ ધુપ્પલ ચાલે છે. અહીં હજુ લોકશાહિને બદલે અમલદાર શાહી ચાલે છે. મિડિયા સાથે વાત ન કરવી,મિડિયાને માહિતી ન આપવી,તમામ કરદાતાઓને ચોર માનવાની માનસિકતાઓ આવી ઓફિસોમાં છલકાય છે. તેની પાછળ આ કચેરીઓના મુખ્ય અધિકારી અને તેમના સાથીઓની ઢાંકો ઢુંબો કરવાની નીતિ જ કારણભૂત છે. રાજકોટ એસજીએસટી કચેરીમાં નવીન ધનકર નામનો એક અધિકારી રૂપિયા અઢી લાખની લાંચ લેતાં સી.બી.આઇ.ના હાથે પકડાયો. આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ. વાસ્તવમાં ધનકરની ઘટના તો હિમશિલના ટોચ છે. જીએસટી કચેરીની વ્યાપક ફરિયાદો વેપાર ઉદ્યોગ વર્તુળમાંથી થઇ રહી છે. કામ ઓનલાઇન થાય છે પરંતુ ભ્રષ્ટાચાર ઓફલાઇન યથાવત છે.
અહિં પણ સાગઠિયા સ્ટાઇલ ભ્રષ્ટાચાર છે. સરકારી કાયદાઓનું અધિકારીઓ એવી રીતે અર્થઘટન કરે કે સામેવાળા કરદાતા મોટી આર્થિક નુકસાની, પેનલ્ટીમાંથી બચવા માટે અન્ડરટેબલ નાણા આપવા મજબુર થાય. મોટા ભાગના કેસમાં જીએસટીના લાંચિયા અધિકારીઓ સાણસીથી તપેલી પકડવાની મોડસ ઓપરેન્ડી વાપરે છે. એટલે કે વચેટિયાઓથી નાણા લેતાં હોય છે. જેમાં મોટા ભાગે કન્સલટન્ટો હોય છે. .
સરકાર ગમે તેટલી જાહેરાતો કરે પરંતુ ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધ્યો છે. દેશને સૌથી વધુ ટેકસ આપતાં વેપારીઓને કેન્દ્ર સરકારની કચેરીઓ ચોરની નજરે જુએ છે. વાસ્તવમાં તેમની સિસ્ટમમાં નવીન ધનખર જેવા ચોર છે. જયારે રાજકોટની એસજીએસટી કચેરીમાં નવીન ધનખર નામનાઅ લાંચિયા અધિકારીને સી.બી.આ.એ ઝડપ્યો ત્યારે આ કચેરીના ટોચના અધિકારી એડિશ્નલ કમિશ્નરે જ મિડિયાને માહિતી ન આપવા સ્ટાફને આદેશ કર્યો હોવાનું કહેવાય છે. મિડિયાને માહિતી ન આપી પોતાના કર્મચારીઓને બચાવવાની માનસિકતા શા માટે ? વાસ્તવમાં આ અધિકારીએ પત્રકારોને સામેથી બોલાવી તેમની કચેરીમાં આવા લાંચિયા અધિકારી ઝડપાય તો સામેથી માહિતી આપવી જોઇએ. જેથી કચેરીમાં અન્ય ભ્રષ્ટ અધિકારીઓ ઉપર ધાક પડે. આવી માહિતી છુપાવવાથી વેપાર ઉદ્યોગમાંથી ઉઠતા ભ્રષ્ટાચારના આક્ષેપોને વધુ બળ મળે છે.
આમ પણ કેન્દ્ર સરકારની કચેરીના અધિકારીઓ હજુ અંગ્રેજોના સતાકાળમાં રાચતાં હોય એવુ જ લાગે છે. તેઓ પોતે જ સરકાર હોય અને પોતે જ કાયદો હોય એવો માહોલ અહીં જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેઓ સાંસદો વગેરેને પણ દાદ નથી આપતાં. રાજકારણીઓને ખરાબ ચિતરી પોતે મી.કલીન હોવાની છાપ રાખી અંદરખાને ભયંકર ભ્રષ્ટાચારમાં લથબથ હોય છે.
ધનકરની સી.બી.આઇ. વ્યવસ્થિત પૂછપરછ કરે તો રાજકોટ જીએસટી કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આખુ નેટવર્ક ખુલી શકે તેવી શકયતા છે. કારણ કે કોઇ એક અધિકારી પૈસા માટે તેમની ફાઇલ સાથે કોઇ પણ કરતબ કરે તો એ ફાઇલ ટોચના અધિકારી પાસે જાય ત્યારે તેમની જાણ બહાર ન રહે. કારણ કે આ અધિકારીઓ કરવેરાના કાયદાના એટલાં નિષ્ણાત હોય છે કે તેમાં લુપ હોલ્સ શોધી શકે છે. આવા લુપ હોલ્સ ખોલવા અને બંધ કરવાની રમત ફુટબોલ પાસીંગ અને બોલને ગોલ પોસ્ટ સુધી પહોંચાડવા જેવી હોય છે.
રાજકોટ જીએસટી કચેરીના ભ્રષ્ટાચારના આ એક કિસ્સાથી સરકારે ખાસ કરીને કેન્દ્ર સરકારે જાગૃત થવા જેવુ છે. કોઇ પણ કચેરીની ફરિયાદ માટે એક ઓપન પોર્ટલ રાખવુ જોઇએ. જેમા કોઇ અધિકારી વિષે ફરિયાદ આવે ત્યારે ફરિયાદી પાસેથી પૂરાવા માંગવાને બદલે તેમને સી.બી.આઇ.ના સ્કેનમાં મૂકી યોગ્ય સમયે તેમની સામે કાર્યવાહી કરી ભ્રષ્ટાચારની દુકાન બંધ કરવી જોઇએ. જેથી તંત્રમાં પ્રમાણિકતાથી કામ કરતાં અધિકારી કર્મચારીઓને પણ ન્યાય મળે. પ્રોત્સાહન મળે. તેમજ કરદાતાઓને પણ ભ્રષ્ટાચારમાંથી છુટકારો મળે.