RMC કર્મચારી પરિષદના આંદોલનકારીઓ બન્યા બેફામ
ક્લાસ-૧ અધિકારીઓને બળજબરીપૂવર્ક બહાર કાઢી ઓફિસોને તાળાબંધી કરી, અરજદારોનો ફ્લો વધુ હોય એવા સમયે જ વીજળિક હડતાળ પર ઉતરી ગયા
રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદના નેજા હેઠળ આજે ક્લાસ ૨ અને 3ના કર્મચારીઓએ ગાંધી ચિન્ધ્યા માર્ગની બદલે જાણે ગોડસે ચિન્ધ્યા રસ્તે આંદોલન કર્યુ હોય એવી અરાજકતાભર્યો માહોલ સર્જાયો હતો. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આજથી આંદોલનના મંડાણ કરવા માટે જાહેરાત થઇ હતી માત્ર રામધૂન બોલાવવાની. તેના બદલે કર્મચારી પરિષદના આગેવાનોએ વીજીલન્સ પોલીસને ધક્કે ચડાવીને શાખા અધિકારીઓને તેની ચેમ્બરની બહાર બળજબરીપૂર્વક કાઢીને ઓફિસને તાળબંધી કરવા બળપ્રયોગ કર્યો હતો. ત્યારબાદ વીજળિક હડતાળ ઉપર ઉતરી જતા સિવિક સેન્ટરમાં જન્મ-મરણ અને અન્ય દાખલા કાઢવા સહિત તમામ કામગીરી ઠપ્પ કરી દેવામા આવતા અરજદારો હેરાન થયા હતા.
મહાનગરપાલિકા કર્મચારી પરિષદનો મુખ્ય મુદ્દો ક્લાસ ૨ અને 3ના કર્મચારીઓની ભરતી અને બઢતી તેમજ અન્ય કેટલાક પ્રશ્નોના નિરાકરણને લગતો હતો. અને તેના માટે બે દિવસ પહેલા કરેલી જાહેરાત મુજબ આજે સવારે ૧૧:3૦ વાગ્યે કમિશનર લોબી પાસે માત્ર રામધૂન બોલાવવાનો જ કાર્યક્રમ હતો. તેના બદલે આંદોલનકારી કર્મચારીઓ બેફામ થઇ ગયા હતા.
કર્મચારી પરિષદના આગેવાનોએ ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ ડેપ્યુટી કમિશનર ચેમ્બરમાં હાજર ન હોવા છતા આંદોલનકારીઓ ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં જવાની જીદ પકડીને બેઠા હતા. એ દરમિયાન વીજીલન્સ પી.આઇ. અને અન્ય સુરક્ષાકર્મીઓએ રોકતા આંદોલનકારી કર્મચારીઓએ વીજીલન્સ પોલીસને ધક્કે ચડાવ્યા હતા. અને બાદમાં વિવિધ શાખા કચેરીની ઓફિસો ધરાર બંધ કરાવી હતી. શાખા અધિકારીઓને તેની ઓફિસની બહાર બળજબરીપૂર્વક કાઢ્યા હતા અને બાદમાં ઓફિસને તાળાબંધી કરવામા આવી હતી. એટલુ જ નહીં પીકઅવર્સ એટલે કે અરજદારોનો ફ્લો જે સમયે વધુ હોય છે એવા સમયે જ સિવિક સેન્ટર સહિત તમામ બ્રાન્ચમાં વીજળિક હડતાળ પાડી દેવામા આવતા અરજદારો હેરાન થયા હતા.