સોશ્યલ મીડિયામાં વારંવાર, રોજેરોજ, નાનામાં નાની ગતિવિધિની તસવીરો મૂક્યા કરતા કપલ અને પ્રેમીઓ વચ્ચેના સંબંધો કૈંક સૂચવી રહ્યા છે એવું અભ્યાસોમાંથી પ્રગટી રહ્યું છે
એક અભ્યાસ આ વર્ષની શરૂઆતમાં આવેલો, પણ વર્ષાન્તે પણ તેને યાદ કરવા જેવો છે. સોશ્યલ મીડિયામાં વારંવાર પોતાની સજોડે તસવીરો મૂકનારા દંપતિઓ, (પ્રેમીઓ કે બે વ્યક્તિઓ) વચ્ચેના સંબંધો તસવીરમાં દેખાતા હોય છે એટલા પ્રગાઢ નથી હોતા. આવું તારણ અમેરિકાની કેન્સસ યુનિવર્સિટીના એક અભ્યાસમાંથી નીકળ્યું હતું. 300 કપલનો સર્વે કરીને તારણ કાઢવામાં આવેલું કે જેમની બહુ ઓછી સજોડે તસવીરો મૂકાતી હોય તેમના સંબંધો વધારે ગાઢ, સ્થિર, અડગ અને અડિખમ હોય છે. આ દંપતિઓને તેઓ સોશ્યલ મીડિયામાં કેટલા સક્રિય રહે છે અને તેમના અંગત સંબંધો કેવા છે તેના વિશે સવાલો પૂછાયા હતા.
સરવાળે એવું નીકળ્યું કે વધારે તસવીરો મૂકનારા વચ્ચે વધારે પ્રેમ કે સમજણ હોય એવું જરૂરી નથી. ઉલટાનું સંબંધોની સમજણ કેળવાઈ ગઈ હોય ત્યાર પછી તેને વારંવાર પ્રગટ કરવાની જરૂર પડતી હોતી નથી. માત્ર 300 લોકો સાથે સંવાદ કરીને કંઈ નક્કી ના કરી શકાય. અમેરિકાના જીવન કરતાં આપણું જીવન પણ જરા જુદું છે એટલે આ જ વાત સાચી છે એવું માની લેવાની પણ જરૂર નથી. રોજ સાથે ચા પીતા હોય તેની તસવીરો મૂકનારા દંપતિ તેમના જીવનને પોતાની રીતે માણી રહ્યા છે એવું પણ બને. એટલે સાધારણીકરણ કર્યા વિના એવું કહી શકીએ કે જે થતું હોય તે સમજપૂર્વક થવું જોઈએ. પણ સોશ્યલ મીડિયામાં ઘણું બધું અજાણપણે થાય છે. અજાણપણે આપણી માનસિકતાને આ માધ્યમ અસર કરી રહ્યું છે. સારા સોશ્યલ મીડિયાના માધ્યમો, મેઇન સ્ટ્રીમમાં હોય તે મીડિયાના એકાઉન્ટ્સ અને પ્લેટફોર્મ, રજિસ્ટ્રેશન સાથે, ભૌતિક સરનારા સાથે કામ કરનારી કંપનીઓના એકાઉન્ટ અને સેલિબ્રિટી બન્યા પછી સભાન થઈને સક્રિય રહેનારા સુપ્રસિદ્ધ લોકોના પ્લેટફોર્મ્સ સુધી બહુ વાંધો નથી હોતો. પરંતુ આજે એવું થયું કે અલ્ગોરિધમને કારણે સોશ્યલ મીડિયા અમુકતમુક રીતે કામ કરે છે. તેના પર એડ મળી જાય અને કમાણી થઈ જાય અને થોડા વખત પછી એકાઉન્ટને બંધ કરી દેવામાં આવે. તરત બીજું એકાઉન્ટ ખૂલી જાય અને ખેલ ફરી શરૂ થઈ જાય. નોકરી ધંધો કરવાના બદલે આ રીતે માત્ર કમાણી કરનારા એકાઉન્ટ બનાવનારાને કારણે સોશ્યલ મીડિયામાં ભેદ કરવો મુશ્કેલ બન્યો છે. ડાન્સ મૂવ કરતો વીડિયો મૂકવો જ પડે તેવું પ્રેશર ટીનેજર્સ પર અજાણપણે આવી રહ્યું છે. નૃત્ય બહુ સારી બાબત છે, પણ રીલ બનાવવા પૂરતા જ ઠૂમકા મારવાના હોય કે નૃત્યને સમજીને, તન-મન-આત્માને એકાકાર કરનારી અંગભંગીમાને સમજવાની હોય?
સંબંધો દર્શાવવાનું પણ એક પ્રેશર ઊભું થયું છે. આના વિશે વારંવાર અભ્યાસો આવ્યા છે, ચેતવણીઓ આવી છે અને સલાહો પણ ઉપલબ્ધ છે. પણ તે ક્યાંક ખૂણે જતી રહે ત્યારે કપલને એમ થાય કે સૌ મૂકે છે તો આપણે પણ મૂકીએ. દર મહિને મૂકીએ, બને તો દર અઠવાડિયે અને રોજ એક મૂકી દઈએ તો પણ શું વાંધો! વાંધો કશો નથી, આનંદની પ્રાપ્તિ થતી હોય ત્યાં સુધી કરવું જોઈએ. પણ તેના કારણે સમજાય નહીં તેવું ટેન્શન થાય છે ખરું? અન્ય લોકોએ મૂકેલી તસવીરો, જાણીતા લોકોએ મૂકેલી તસવીરો, સગાઓએ મૂકેલી તસવીરો જોઈને પછી એના જેવું કશુંક કરવું પડશે એવું થાય છે. એવું થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ આપણે તસવીરો નથી મૂકી શકતા તો શું થતું હશે, શું વિચારાતું હશે તે દિશામાં વિચારો વળી જતા હોય તો સંભાળવું. તમને શું મન થાય છે? બસ, એટલું જ અગત્યનું છે. બીજાનું છોડોને…
સંશોધનમાં પણ એ જ વાત બહાર આવી હતી કે વારંવાર પોતાના સંબંધોની તસવીરો મૂકનારા બીજા લોકોની એવી જ તસવીરો અને પોસ્ટ સાથે સરખામણી કર્યા કરે છે. તેમના સંબંધો કેવા હશે તેની કલ્પના કરે છે અને પછી પોતાના સંબંધોની વાસ્તવિકતા સાથે તેની સરખામણી કરે છે. અન્ય લોકોની ખુશખુશાલ તસવીરો જોઈને, સરસ રીતે ગોઠવાઈને લેવાયેલી તસવીરો જોઈને ખુશી મળવા કરતાં ઇર્ષા વધારે આવે છે. એક પ્રકારની ચિંતા થાય છે કે શું આપણા સંબંધો એટલા ગાઢ નહીં હોય કે આટલી સહજતાથી આપણે કેમ આવી તસવીરો નથી લઈ શકતા તેવી સરખામણી થાય એટલે ચિંતા પ્રગટે. ચિંતા કોરી ખાવા લાગે ત્યારે શું થાય એ તમે સોશ્યલ મીડિયામાં કથાકારની રીલમાં સાંભળ્યું જ હશે.
તેની સામે આવી પળોજણમાં ના પડનારા લોકો બીજાની તસવીરો જોઈને પોતાના સંબંધોની સરખામણી તેમની સાથે કરતા નથી. તસવીર સામે પોતાની તસવીર ના મૂકી હોય એટલે આપોઆપ સરખામણી કરવાનું થતું નથી. તસવીરો મૂકી હોય ત્યારે સરખામણી થઈ જાય છે અને ના મૂકી હોય ત્યારે તેની તક ઓછી રહે છે. તેથી જ ઓછી તસવીરો મૂકનારા વધારે સુખી અને સંતોષી જણાયા હતા. સરખામણી શબ્દને જરાક ખેંચો એટલે તેનો અર્થ નીકળે દેખાદેખી. દેખાદેખીથી કેવું દુખ આવે તેની રીલ પણ સાંભળી છેને. ના સાંભળી હોય તો સાંભળી લો. સાંભળી લો. સાંભળી લો. નો પ્રોબ્લેમ, આટલો ટાઇમ વેસ્ટ કર્યો છે નકામી બાબતોમાં તો થોડો સદુપયોગ કરી લો અને દેખાદેખી ના કરો. પેલું ગીત જ સાંભળી લો… મેરા ગમ કિતના કમ હૈ. આ બહુ સારું છે. બીજા જુઓને કેવા સુખી સુખી છે તેવું તારણ સોશ્યલ મીડિયામાંથી કાઢવાના બદલે, જુઓને બીજા લોકોને કેટલા દુખ છે, તેનાથી તો આપણે ઘણું સારું છે. ખરેખર, બીજાથી આપણને ઘણું જ સારું છે.