નેપાળની સરહદે આવેલા તિબેટના પર્વતીય પ્રદેશમાં મંગળવારે સવારે એક કલાકની અંદર સતત છ ભૂકંપ આવ્યા, જેમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો સમાવેશ થાય છે. ભૂકંપના કારણે તિબેટમાં જાનમાલનું નુકસાન થયું છે અને 32 લોકોના મોત થયા છે. તિબેટના શિગાત્સે શહેરમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે.
7.1ની તીવ્રતાના ભૂકંપમાં 32 લોકોના મોત થયા છે
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે ઝિચાંગ ઓટોનોમસ રિજન (તિબેટના શિગાત્સે શહેર)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 32 લોકોના મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના કેન્દ્રની નજીક ઘણી ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ છે
સિક્કિમ, અન્ય પૂર્વોત્તર રાજ્યો, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં મંગળવારે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેપાળની રાજધાની કાઠમંડુમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર નીકળી શેરીઓ અને ખુલ્લી જગ્યાઓ તરફ દોડી આવ્યા હતા.
ચીની મીડિયા અનુસાર, ભૂકંપના કેન્દ્રની નજીક ઘણી ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ છે. ચીનના જાહેર પ્રસારણકર્તા સીસીટીવીએ જણાવ્યું હતું કે, “ડીંગરી કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને ભૂકંપના કેન્દ્રની નજીકની ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી.”