આપણામાંથી બહુ ઓછા લોકો કોઈ પણ વસ્તુનો આનંદ માણતા હોય છે. આપણે સૂર્યાસ્ત અથવા પૂનમ કે સુંદર વ્યક્તિ અથવા સુંદર વૃક્ષ અથવા ઊડતું પંખી અથવા નૃત્ય જોઈને બહુ ઓછો આનંદ પામીએ છીએ. ખરેખર તો આપણે કોઈ વસ્તુનો આનંદ જ માણતા નથી.
આપણે તેની તરફ જોઈએ છીએ, ઉપલક દૃષ્ટિએ આપણે વિસ્મિત થઈએ છીએ અથવા તેનાથી ઉત્તેજિત થઈએ છીએ, આપણને સંવેદના થાય છે અને તેને આપણે આનંદ કહીએ છીએ, પરંતુ આનંદ તો તેનાથી ઘણો વધારે ગહન છે અને તેને સમજવો જ જોઈએ. તેની તપાસમાં…
જેમ જેમ આપણી ઉંમર થતી જાય છે તેમ તેમ આપણે વસ્તુઓનો આનંદ માણવા ઈચ્છતા હોઈએ છીએ, પરંતુ આપણી અંદરનું શ્રેષ્ઠ તત્ત્વ આપણી બહાર જતું રહ્યું હોય છે. આપણે બીજા પ્રકારની સંવેદનાઓનો આનંદ લેવા માંગીએ છીએ. શોખ, કામેચ્છા, સત્તા, હોદ્દો આ બધી જીવનની સામાન્ય બાબતો છે. જોકે, તે બધી ઉપરછલ્લી છે. તેને વખોડીએ નહીં, તેની યોગ્યતા કે અયોગ્યતા વિષે નિર્ણય પણ ન કરીએ, પરંતુ તેમને સમજીએ અને તેને જીવનમાં તેનું યોગ્ય સ્થાન આપીએ. જો તમે તેની નિંદા કરો કે તે નિરર્થક છે, કે તે સંવેદના છે, તે મૂર્ખતા છે અથવા આધ્યાત્મિક ન હોય તેવું છે તો તમે તમારા જીવનની સમગ્ર પ્રક્રિયાને ખોરવી નાખો છો.
આનંદને જાણવા માટે આપણે ઊંડા ઊતરવું જોઈએ. આનંદ માત્ર સંવેદના જ નથી, તે મનની અસાધારણ શુદ્ધતા માંગે છે, પરંતુ તે એવા `હું'(સ્વ)ની શુદ્ધિ નહીં કે જે પોતાનો અહં વધુ દૃઢ કરતો જતો હોય. આવી `હું’ની અસ્મિતા આવો માણસ આનંદની આ અવસ્થાને ક્યારેય સમજી શકે નહીં, કારણ કે જેમાં આનંદ માણનાર જ નથી. આપણે આ અસાધારણ બાબતને સમજવી જ જોઈએ, નહીં તો જીવન બહુ જ ગૌણ, ક્ષુલ્લક, ઉપલકિયું બની જાય છે. જન્મવું, થોડી બાબતો શીખવી, દુ:ખ ભોગવવું, બાળકો થવાં, જવાબદારી હોવી, પૈસા કમાવા, થોડો બૌદ્ધિક આનંદ-પ્રમોદ કરવો અને ત્યારબાદ મૃત્યુ પામવું.