- માતા પાર્વતીએ શિવજીને પામવા માટે ખૂબ આકરી તપસ્યા કરી હતી. અનેક પ્રકારનાં વ્રતો કર્યાં
- અનેક પ્રકારનાં અનુષ્ઠાનો કર્યાં અને તેના ફળસ્વરૂપમાં તેમણે સદાશિવને પતિ તરીકે મેળવ્યા
સારો ભાવિ ભરથાર મળે તો દાંપત્યજીવન સુખમય બની જાય અને સુખમય દાંપત્યજીવન આખી જિંદગી સુધારી નાખે છે. શિવ-પાર્વતીજી આદર્શ દાંપત્યનાં પ્રતીક છે. તેથી દરેક વ્રતોમાં મોટાભાગે તેમનું પૂજન થાય છે. આપણે ત્યાં સ્ત્રીઓ અનેક વ્રતો કરે છે જેમાંથી મોટાભાગનાં વ્રતો સારો વર, અખંડ સૌભાગ્ય અને બાળકોના સારાં સ્વાસ્થ્ય માટે કરતી હોય છે.
ગોરમાના વ્રતથી લઈને જયા-પાર્વતી વ્રત સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે કરવામાં આવતાં વ્રતો છે. આવું જ એક વ્રત છે ફૂલકાજળી. આપણાં શાસ્ત્રોમાં મનોકામના પૂર્ણ કરવા માટે અને મનોવાંછિત ફળ મેળવવા માટે અનેકાનેક વ્રતો કરવાનું વિધાન છે. સૌ જાણે છે કે માતા પાર્વતી મનોમન સદાશિવને વરી ચૂક્યાં હતાં. શિવને પામવા માટે ખૂબ આકરી તપસ્યા કરી હતી. અનેક પ્રકારનાં વ્રતો કર્યાં, અનેક પ્રકારનાં અનુષ્ઠાનો કર્યાં અને તેના ફળસ્વરૂપમાં પાર્વતીએ સદાશિવને પતિ તરીકે મેળવ્યા.
આ પ્રસંગ ઉપરથી આપણા સમાજની કુંવારી કન્યાઓ તેના કોડ પૂરા કરવા, મનનો માણિગર મેળવવા અને જીવનનો ભરથાર મેળવવા માતા પાર્વતીની જેમ વ્રત કરીને સદાશિવને પ્રસન્ન કરે છે. જેના ફળસ્વરૂપ આપણી સંસ્કૃતિમાં અનેકાનેક વ્રતોનો જન્મ થયો. અનેક વ્રતો પૈકી આજે આપણે અહીં ફૂલકાજળી વ્રત વિશે જાણીએ.
વ્રતનું ઉજવણું
પાંચ વર્ષ સુધી આ મુજબ વ્રત કરવું. પાંચ વર્ષે વ્રતનું ઉજવણું કરવા સમયે ઘરે શિવ-પાર્વતીનું સ્થાપન કરી તેમાં ચાંદીનું ફૂલ પધરાવવું. પાંચ ગોરણીને જમાડીને યથાશક્તિ દાન-દક્ષિણા આપી સંતુષ્ટ કરવાં. આ રીતે વ્રતનું ઉજવણું કરવાથી વ્રતની પરિપૂર્ણતા થાય છે.
પૌરાણિક કથા
એક ગામમાં બાહ્મણ દંપતી રહેતું હતું. ભગવાનની કૃપાથી ઘણા સમયે એક દીકરીનો જન્મ થયો. કન્યાના જન્માક્ષરમાં વિવાહયોગ ન હતો તેથી બાહ્મણ દંપતી ખૂબ ચિંતા કરવા લાગ્યું. કન્યા મોટી ઉંમરની થઈ. એક વખત માતા-પિતા ગામના મંદિરે દર્શન કરવા ગયાં ત્યાં કુંવારી કન્યાઓને સોળે શણગાર સજી વ્રત-પૂજા કરતી જોઈ. તેથી ઈંતેજારીપૂર્વક પૂછ્યું, `દીકરીઓ, તમે આ શેનું વ્રત કરી રહ્યાં છો.’ ત્યારે દીકરીએ કહ્યું, `અમે શ્રાવણ સુદ ત્રીજનું ફૂલકાજળી વ્રત કરીએ છીએ જેનાથી મનનો માણીગર, સારો પતિ પ્રાપ્ત થાય અને દાંપત્યજીવન સુખી બને.’
આટલું સાંભળી દંપતીએ પોતાની કન્યાને આ વ્રત કરવા માટે જણાવ્યું. પછીના વર્ષે બાહ્મણ દેવતાની આ કન્યાએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રાવણ સુદ ત્રીજે ફૂલકાજળી વ્રત કર્યું. આસ્થાભેર પૂજા કરી આમ પાંચ વર્ષ સુધી વ્રત કરી અંતમાં ઉજવણું કર્યું.
વ્રતના ફળસ્વરૂપે આ કન્યાના જન્માક્ષરમાં વિવાહયોગ નહીં હોવા છતાં સદાશિવ અને માતા પાર્વતીના આ વ્રત સ્વરૂપે તેનાં માંગાં આવવાં લાગ્યાં. સારું ઘર પસંદ કરી સુશીલ અને વ્યવહારુ દીકરો પસંદ કરી તેની સાથે લગ્ન થયાં. ખૂબ જ સરસ રીતે તે બંનેનું દાંપત્યજીવન વીતવા લાગ્યું. આ રીતે વ્રતના ફળસ્વરૂપ શિવ-પાર્વતીની કૃપા પ્રાપ્ત થઈ.