ગ્રામિણ અને આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન થાય અને ભણેલા ગણેલા સૌરાષ્ટ્રમાં ઓછુ મતદાન કેમ થાય છે ?
ગઇ કાલે હું એક ટી.વી. ચેનલની ચર્ચામાં બેઠો હતો.ચર્ચાનો વિષય હતો લોકશાહિમાં મતદાન કરવુ જ જોઇએ. મારી સાથે બેઠેલા તમામ વિશેષજ્ઞોએ એક મતે કહયુ કે મતદાન અવશ્ય કરવુ જોઇએ. મતદાન લોકશાહિમાં તમારી ફરજ છે. વગેરે વગેરે. હું જયારથી સમજણો થયો છું ત્યારથી આ શબ્દો સાંભળતો રહયો છું.મતદના અવશ્ય કરો. આપનો કિંમતી અને પવિત્ર મત ચોકકસ આપો. સવાલ એ થાય કે લોકશાહિએ તમને જે અધિકારી આપ્યો છે તેના માટે તમને અપીલ કેમ કરવી પડે ? જાગૃત કેમ કરવા પડે. અભિયાન કેમ ચલાવવા પડે.? વિશ્વની સૌથી મોટી ચૂંટણી જે દેશમાં થાય ત્યાં મતદાનની સરેરાશ ટકાવારી પ૦ થી ૬૦ ટકા આસપાસ જ કેમ રહે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના આદિવાસી વિસ્તાર કે જયાં શિક્ષણ ઓછુ છે ત્યાં ગત ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી ૭૦ ટકા કે તેથી પણ વધુ થાય. જયારે ગુજરાતના શિક્ષિત વિસ્તાર કહેવાય એવા મોટા શહેરો અમદાવાદ,વડોદરા,સુરત ,રાજકોટ જામનગર,ભાવનગર સહિતના શહેરોમાં આદિવાસી વિસ્તારની તુલનાએ મતદાન કેમ ઓછુ થાય ?
ડાઇનીંગ ટેબલ,પાનની દુકાને,ચા’ની કીટલીએ અને લગ્નપ્રસંગ કે જાહેર મેળાવડાઓમાં પોતાની જાતની બુધ્ધીજીવી અને અપડેટેડ ગણાવતાં લોકોની વાતો સાંભળીએ તો મજા આવે. એ રશિયા અને યુક્રેનના યુધ્ધની વાતો કરે. અને તેમાં રશિયા કે યુક્રેને આમ ન કરવું જોઇએ તેવી સલાહ પણ અધિકારથી આપે. ઇઝરાયલ યુધ્ધમાં પણ તેમની પાસે કોમેન્ટ હોય. આઇપીએલમાં ફલાણો ખેલાડી ફલોપ જાય છે હવે તેને કાઢવો જોઇએ એવી સલાહ હોય. જાહેર જીવનમાં દરેક જગ્યાએ પોતાનો મત ધરાવતો આવો નાગરિક જયારે મતદાન કરવામાં પાછળ રહે ત્યારે તેના વિષે શું મત બાંધવો.
અમારી ડિબેટમાં એન્કરે કહયુ કે સૌરાષ્ટ્રવાસીઓનો આ ગુણ કેવો ? મતદાનમાં કેમ નિરશ રહે છે? આ સવાલ મને સોંસરવો ઉતરી ગયો. સૌરાષ્ટ્રવાસીઓ વાતોએ પુરા છે.એમ કહિ શકાય. જયારે કોઇ સામે એક આંગળી ચીંધીએ ત્યારે ચાર આંગળી આપણી તરફ આવે છે એ ન ભુલવું જોઇએ. મતદાન શા માટે કરવુ જોઇએ એ કોઇ શિક્ષિત સમાજને શિખડાવવાની જરૂર ન હોય. તેના માટે જનજાગૃતિ ઝૂંબેશ ન હોય.જો તમને હાલના રાજકારણીઓ પ્રત્યે સુગ હોય. બન્ને પક્ષે કોઇ સારુ નથી એટલે મતદાન કરવાનો કોઇ અર્થ નથી એવી નિરાશા થઇ ગઇ હોય તો પણ તમારે મતદાન કરવું પડે. તમે નોટા મત આપી શકો. કારણ કે તમારામાં સિસ્ટમ બદલવાની ક્ષમતા નથી ત્યારે જે સિસ્ટમ છે તેમાં તમારા એક મતથી પ્રદાન આપો.
વિશ્વમાં કોઇ પણ સિસ્ટમ કયારેય સંપૂર્ણ નહિ હોય. એ સમયની સફર સાથે સાથે પરિવર્તનશીલ બનતી રહેશે. તેના પરિવર્તનમાં તમારી સક્રિયતા જાગૃતિ,મકકમતાનું એક કદમ જરૂરી છે. આજે તમે એક કદમ નહિ ચાલો તો તમારી ભાવિ પેઢી કદાચ તમને માફ નહિ કરે. મતદાન અવશ્ય કરજો.