ADB હોટલ પાછળ રત્નમ રોયલ બંગલોઝમાં એક સાથે પાંચ બંગ્લોઝમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી
તહેવાર ટાણે જ તસ્કર ટોળકી શહેરી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવતી હોય છે. તહેવાર હોવાથી રહીશો પરિવાર સાથે બહારગામ નીકળી જતાં હોય છે અને તેનો લાભ તસ્કર ટોળકી ઉઠાવતી હોય છે. તે રીતે યુનિવર્સિટી રોડ પર પંચાયતનગરમાં આવેલા એક મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની માલમતા ઉસેડી ગયા હતાં. તેવી જ રીતે નવા રીંગરોડ પર એડીબી હોટલની પાછળ આવેલી રત્નમ રોયલ બંગ્લોઝ સોસાયટીમાં પરિવારને ઉંઘતા રાખી ચડ્ડીબનિયાનધારી ટોળકીએ પાંચ જેટલા મકાનને નિશાન બનાવ્યા હતાં. આ બંને ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ૨/કમાં આવેલા આદિનાથ બંગ્લોઝમાં રહેતા મહેતા પરિવારના મકાનને નિશાન બનાવી અંદર ખાબકેલા તસ્કરો અંદાજે ૧૪ થી ૧૫ લાખની માલમતાનો હાથ ફેરો કરી ગયા હતાં. ચોરીની ઘટના સામે આવતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ વસાવા, ક્રાઇમ બ્રાંચ, બંને એલસીબી સહિતની ટીમો સ્થળ પર દોડી ગઇ હતી. આ લખાય છે ત્યારે ફરિયાદ દાખલ કરવાની પોલીસે તજવીજ શરૂ કરી છે.
જયારે અન્ય ચોરીની ઘટનામાં એડીબી હોટલની પાછળ આવેલી રત્નમ રોયલ બંગ્લોઝ સોસાયટીમાં ચારથી પાંચ જેટલા ચડ્ડીબનિયાનધારી શખ્સોની ટોળકી ત્રાટકી હતી. આ ટોળકીએ વિસ્તારના ચારથી પાંચ જેટલા મકાનોને નિશાન બનાવ્યા હતાં. કહેવાય છે કે ચડ્ડી બનિયાન ધારી ટોળકીને ખાસ્સી મોટી કોઇ રકમ હાથ લાગી ન હતી અને આ મકાનના પરિવારોને ઉંઘતા રાખી ટોળકીએ કળા કરી હોવાનું મનાઇ રહ્યું છે. ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ફરિયાદ દાખલ કરવા તજવીજ શરૂ કરી છે.