ભારત-દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે ટ્રાઈ સિરીઝ રમાઈ રહી છે, જેનું આયોજન શ્રીલંકા કરી રહ્યું છે. સિરીઝની પહેલી મેચ 27 એપ્રિલના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
આ મેચમાં ભારતે શાનદાર બેટિંગ કરી અને ઉત્તમ પ્રદર્શન કર્યું અને 9 વિકેટથી જીત મેળવી. પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સિવાય સ્નેહા રાણાએ બોલિંગમાં ધૂમ મચાવી.
શ્રીલંકાએ બનાવ્યા 147 રન
વરસાદને કારણે મેચ 50 ઓવરને બદલે 39 ઓવર સુધી રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા મોટો સ્કોર કરી શક્યું નહીં. ટીમે 38.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. હસિની પરેરાએ ઓપનિંગ બેટિંગની ભૂમિકા ભજવતા 46 બોલમાં 30 રનની શાનદાર ઈનિંગ રમી. જ્યારે ચમારી અથાપટ્ટુએ 18 બોલમાં 7 રન બનાવ્યા હતા. આ સિવાય કવિશા દિલહારીએ 26 બોલમાં 25 રન બનાવ્યા.
શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમની કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શકી નહીં. ભારતીય બોલરોએ શરૂઆતથી જ યજમાન ટીમ પર દબાણ જાળવી રાખ્યું હતું. ભારત તરફથી સ્નેહા રાણા સૌથી સફળ બોલર રહી. તેને 8 ઓવરમાં 31 રન આપીને 3 બેટ્સમેનની વિકેટ લીધી. દીપ્તિ શર્માએ પણ 2 વિકેટ લીધી.
ભારતે હાંસલ કર્યું લક્ષ્ય
148 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરી. ઓપનર સ્મૃતિ મંધાનાએ 46 બોલમાં 43 રનની શાનદાર ઈનિંગ રમી જેમાં 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પ્રતિકા રાવલે પણ 62 બોલમાં 50 રનની અણનમ ઈનિંગ રમીને ભારતીય ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રતિકાએ પોતાની બેટિંગ દરમિયાન શ્રીલંકાના બોલરોને એક પાઠ શીખવ્યો. તેને 7 ચોગ્ગા ફટકાર્યા. તેમના સિવાય હરલીન દેઓલે પણ 71 બોલમાં 48 રનની શાનદાર ઈનિંગ રમી. શ્રીલંકન ક્રિકેટ ટીમ માટે ભારતના ફક્ત 3 બેટ્સમેન ખૂબ જ વધારે સાબિત થયા. આ જીત સાથે, ભારતે પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ મેળવ્યા.