હિમાલયના પહાડો ખડકથી બનેલા મજબૂત નથી ત્યારે તેમાં કોઈ પણ ખોદકામ કરતાં પહેલાં લેવાવી જોઈએ તેવી કોઈ કાળજી સિલક્યારા ટનલ ખોદતી વખતે લેવાઈ નથી
ઉત્તરકાશીથી યમુનોત્રી જવા માટે પહાડી રસ્તો છે તેને સીધો કરવા માટે અને ટનલ દ્વારા ઊંચા પહાડોની નીચે રસ્તો કાઢવાની મહત્ત્વાકાંક્ષી યોજના પૂરી થશે ત્યારે બહુ ઉપયોગી થશે. 26 કિમી જેટલું અંતર ઘટી જશે અને શિયાળામાં પહાડો પર બરફ હશે ત્યારે પણ નીચે ભોંયરામાંથી સિલક્યારાથી બડકોટ સુધી જઈ શકાશે. પરંતુ યોજના પૂરી થાય તે પહેલાં મોટું વિઘન આવ્યું અને આગળ કામ ચાલતું હતું ત્યારે પાછળ થઈ ગયેલા ભોંયરામાંથી ઉપરનો ભાગ બેસી ગયો. અંદર 41 લોકો ફસાયેલા છે. અત્યારે તેઓ ક્ષેમકુશળ છે અને તેમની સુધી ભોજન પહોંચાડી શકાય તેવી અડધા ઈંચની પાઈપલાઈન પણ નાખી દેવાઈ છે. અગાઉ નાની પાઈપથી અંદર ઓક્સિજન પહોંચતું રહ્યું છે એટલે તેઓ આજે 11 દિવસે પણ સલામત છે.
હવે ઉપરથી નીચે ટનલના ભાગ સુધી બોરિંગ થઈ રહ્યું છે. અઢી ફૂટ જેટલું બોગદું ઉપરથી નીચેની તરફ ખોદાશે અને તેમાંથી સૌને બહાર કઢાશે. અગાઉ અમેરિકન ઓગર મશીનથી પેરેલલ અઢી ફૂટનો પાઇપ નાખવાનું કામ આગળ વધ્યું હતું, પણ 25 મીટરથી વધારે આગળ વધ્યા પછી, પાંચમો પાઈપ નાખતા હતા ત્યારે ફરીથી કડાકો બોલ્યો. કામ અટકાવી દેવું પડ્યું કે વધારે પડતું દબાણ કરવાથી ભોયરાનો વધારોનો ભાગ પણ બેસી જાય તો મુશ્કેલી વધે.
આ જ કારણ છે કે હિમાલયમાં બોગદું બનાવવાનું કામ સહેલું નથી. બોગદું બનાવવાનું કામ ક્યારેય સહેલું હોતું નથી, પણ નક્કર પથ્થર અને ખડકથી બનેલી પહાડીમાં ખાણકામ સહેલું નહીં, પણ ઓછું જોખમી બને છે. તમે ધીમે ધીમે પથ્થર કાપીને ભોંયરું બનાવતા જાવ ત્યારે ઉપરથી જમીન બેસી જાય તેવી શક્યતા થોડી ઓછી રહે છે. હિમાલયના પહાડોની રચના એવી છે કે ઉપરથી જમીન ઝડપથી બેસી શકે છે. મોટા ખડકો કે નક્કર પથ્થરોથી નહીં, પણ માટી અને કાંકરાની બનેલી પહાડીઓ છે. હિમાલય સૌથી યુવાન પર્વતમાળા છે. થોડા કરોડ વર્ષો પહેલાં તેનો જન્મ થયો છે અને મૂળ તો જમીન ઊંચેને ઊંચે ચડતી ગઈ છે. હજીય દર વર્ષે અમુક સેમી તે ઉપરની તરફ ચડે છે. તમે શાળામાં હિમાલયની રચના વિશે વાંચ્યું હશે એટલે તેને યાદ કરી લો.
આપણે અહીં એ કહેવાનું થાય છે કે હિમાયલના પહાડોની આ પ્રકૃત્તિની જાણ હોવા છતાં બેફામ રીતે ત્યાં બાંધકામ થઈ રહ્યું છે. તેમાં તદ્દન બેદરકારી રાખવામાં આવી રહી છે. આવી રીતે કાળજી લીધા વિના બોગદા બનાવો તેના કારણે જમીન અસ્થિર થઈ જાય છે. જોષીમઠમાં કેટલી મોટી આપદા આવી હતી તે યાદ હશે. 700થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ, કેમ કે આસપાસની જમીન અસ્થિર થવા લાગી હતી. એવી જ સમસ્યા યમુનોત્રી જવા માટેના રસ્તે બની રહેલી આ ટનલમાં થઈ છે.
ચૂંટણી પહેલાં દાખડો કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં નાહકની ઉતાવળ કરાવાય છે અને તેના કારણે કોન્ટ્રેક્ટરો કોમ્પ્રોમાઇઝ કરવા લાગે છે. ગુજરાતમાં એક પછી એક બ્રીજ તૂટી પડ્યાના દાખલા છે. પેલો ભ્રષ્ટાચાર તો ખરો જ… કટકીની ટકાવારી વધી છે તેના કારણે પણ નબળા બાંધકામ થાય છે, પણ તે મુદ્દો અહીં નથી.
અહીં નેશનલ હાઇવે એટલે કે ચારધામ યાત્રા માટેના હાઇવેનું કામ ચાલી રહ્યું છે એટલે તેમાં થોડી વધારે કાળજી લેવાઈ હોય, પણ તોય માનવીય બેદરકારી આખરે છતી થઈ ગઈ. જાણકાર એન્જિનિયર્સ કહે છે કે હિમાલયમાં ભોંયરું જેમ જેમ આગળ વધતું જાય તેમ તરત જ તેની છત અને પડખાને પાકા કરી લેવા પડે. માત્ર સીમેન્ટ મારીને પ્લાસ્ટર જેવું કરી દેવાથી કામ ચાલે નહીં. તે એટલું મજબૂત ના થાય કે ઉપરથી દબાણ આવે ત્યારે ઝીંક ઝીલી શકે. દર થોડા મીટર પછીના બોગદા પછી તેને નક્કર કરી દેવું પડે તેમ જાણકારો કહે છે. કેમ કે કદાવર મશીનોથી આગળ બોગદું બનાવવાનું કામ ચાલતું હોય ત્યારે ઉપરના ભાગે ભારે ધ્રૂજારી થતી હોય છે. તેના થડકાને કારણે નબળો હિસ્સો હોય તે ધસી પડે તેવું જોખમ હોય છે. એક શક્યતા એ વ્યક્ત થઈ છે કે અંદર એક મોટું ટેન્કર કાબૂ બહાર જતા અથડાયું હતું. તેના કારણે મોટો થડકો લાગ્યો હતો તેના કારણે ઉપરનો હિસ્સો નીચે ખાબક્યો હતો. જે હોય તે, કાળજી લેવાઈ નહોતી તે સ્પષ્ટ થયું છે. જાણકારો કહે છે કે અહીં ફાઇલાઇટ પ્રકારના ખડકોથી પહાડો બનેલા છે. તે નબળા ગણાય છે એટલે વિશેષ કાળજી લઈને ભોંયરું બનાવવું જોઈએ.
આ ટનલ બંને બાજુથી બનાવવાનું શરૂ થયું છે. ભાગીરાથી નદીની ખીણમાં આવેલા સિલક્યારાથી પણ ભોંયરું આગળ વધ્યું હતું અને સામા છેડે બડકોટના દંડલગામ પાસેથી પણ કામ ચાલતું થયું છે. સાડા ચાર કિમી લાંબી આ ટનલ બનવાની છે, પણ અત્યારે આખો પ્રોજેક્ટ હવે વિલંબમાં પડશે. કામદારોને બચાવી લેવાશે તે રાહતની વાત છે, પણ તે પછી સમગ્ર બનાવની તપાસ કરવી જરૂરી છે. અહીં જે બેદરકારી દાખવવામાં આવી છે તેની નોંધ લઈને ચાર ધામ યાત્રા માટે કામ ચાલી રહ્યું છે ત્યાં પણ કાળજી લેવી જરૂરી છે. જોષીમઢમાં જમીનો બેસવા લાગી ત્યારે ઉહાપોહ થયો પણ તેમાંથી કોઈ બોધપાઠ લેવાયો હોય તેવું લાગતું નથી. વધારે એક દુર્ઘટના થઈ ગઈ. જાનહાની ના થઈ એટલા સદ્દભાગ્ય…