ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જાય છે. કોરોના રોગચાળા પછી આ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો હતો, પરંતુ આ અંગે તાજેતરમાં જાહેર કરાયેલા આંકડાએ ચોંકાવી દીધા છે.
અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટા દર્શાવે છે કે 2024ના પ્રથમ 9 મહિનામાં એટલે કે આ વર્ષે ભારતીયોને આપવામાં આવેલા F-1 સ્ટુડન્ટ વિઝામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 38 ટકાનો ઘટાડો થયો છે, જે એક મોટો ઘટાડો છે.
સ્ટૂડન્ટ વિઝામાં થયો મોટો ઘટાડો
મીડિયા રિપોર્ટ મુજબ માસિક નોન-ઈમિગ્રન્ટ વિઝા રિપોર્ટનું વિશ્લેષણ કર્યું છે, જે દર્શાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓને જાહેર કરાયેલા F-1 વિઝાની સંખ્યા આ વખતે સૌથી ઓછી છે. રિપોર્ટ મુજબ આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓને 64,008 F-1 વિઝા આપવામાં આવ્યા હતા, જ્યારે ગયા વર્ષે સમાન મહિનામાં F-1 વિઝાનો આંકડો 1,03,495 હતો. ડેટા દર્શાવે છે કે વર્ષ 2022માં ભારતીય વિદ્યાર્થીઓને 93,181 વિઝા, 2021માં 65,235 વિઝા અને રોગચાળાથી પ્રભાવિત વર્ષ 2020માં ભારતીય વિદ્યાર્થીઓને માત્ર 6,646 F-1 વિઝા આપવામાં આવ્યા હતા.
ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ થયો ઘટાડો
અમેરિકામાં ભણવા જતા લોકોની સંખ્યામાં આ ઘટાડો માત્ર ભારતીય વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચીનના વિદ્યાર્થીઓમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ 2024માં ચીની વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં માત્ર 8 ટકાનો થોડો ઘટાડો થયો છે. આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ચીનના વિદ્યાર્થીઓને કુલ 73,781 F-1 સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ આંકડો 80,603 હતો. 2022 માં, કુલ 52,034 ચીની વિદ્યાર્થીઓને F-1 વિઝા આપવામાં આવ્યા હતા.
વિઝા માટે લાંબો સમય જોવી પડશે રાહ
ભારતમાં વિદેશી એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સે કેટલાક સંભવિત કારણો આપ્યા છે કે શા માટે આ વર્ષે F-1 સ્ટુડન્ટ વિઝા જાહેર કરવામાં ઘટાડો થયો છે, જેમાંથી સૌથી મહત્ત્વનું એ છે કે વિદ્યાર્થીઓને વિઝા ઈન્ટરવ્યૂ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, જે વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય છે, તેથી મોટાભાગના વિદ્યાર્થીઓ વિકલ્પો તરીકે કેનેડા, યુકે અને જર્મનીનો જવાનો પ્રયાસ કરે છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.