અમેરિકા જવાના પ્લાનિંગ કરનારા ભારતીયોને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાએ H-1B વિઝા એપોઈન્ટમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. રિપોર્ટ મુજબ આનાથી વિઝા પ્રોસેસિંગમાં ભારતીય ટેક પ્રોફેશનલ્સને મોટી રાહત મળી શકે છે.
યુ.એસ.માં ભારતીય દૂતાવાસની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ ભારતમાં યુએસ એમ્બેસી 1 જાન્યુઆરી, 2025 થી નોન-ઈમિગ્રન્ટ વિઝા એપોઈન્ટમેન્ટના ટાઈમટેબલ અને ફરીથી શેડ્યૂલ કરવા માટે નવા નિયમો લાગુ કરશે. નવા નિયમોનો હેતુ વિઝા પ્રોસેસને સુવ્યવસ્થિત કરવાનો અને રાહ જોવાનો સમય ઘટાડવાનો છે.
ખાલી જગ્યાઓ ઝડપથી ભરવામાં કરશે મદદ
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા H-1B વિઝા પ્રક્રિયા માટે નવા નિયમો લાગુ કર્યા પછી તરત જ યુએસ સરકાર તરફથી આ જાહેરાત કરવામાં આવી છે. આનાથી અરજદારોને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નોકરીની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવામાં મદદ મળશે.
નવા વિઝા નિયમો હેઠળ, અરજદારો વધારાની ફી ચૂકવ્યા વિના તેમની એપોઈન્ટમેન્ટ એકવાર ફરીથી શેડ્યૂલ કરી શકે છે. પરંતુ જો તેઓ તેમની પુનઃનિર્ધારિત એપોઈન્ટમેન્ટ ચૂકી જાય અથવા એક કરતા વધુ વખત ફરીથી શેડ્યૂલ કરવાની જરૂર હોય, તો તેઓએ નવી એપોઈન્ટમેન્ટ લેવી પડશે અને ફરીથી ફી ચૂકવવી પડશે.
મુલાકાત લેવી સરળ અને વધુ ઝડપી
દૂતાવાસે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ ફેરફારો દરેક માટે એપોઈન્ટમેન્ટ મેળવવાનું સરળ અને ઝડપી બનાવશે.” પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ રહે તેની ખાતરી કરવા માટે તેઓએ તમામ અરજદારોને તેમની પહેલેથી નક્કી કરેલી એપોઈન્ટમેન્ટમાં હાજર રહેવા વિનંતી કરી છે.
વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ખાસ પગલું
વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા અને દુરુપયોગને રોકવા માટે લેવામાં આવેલ બીજું પગલું એ બાઈડેન સરકાર હેઠળના સુધારેલા H-1B વિઝા નિયમો છે, જે 17 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવશે. H-1B વિઝા માટે અરજદારોએ હવે સાબિત કરવું પડશે કે તેમની ડિગ્રી તેમની નોકરી સાથે સીધી રીતે સંબંધિત છે, તેની ખાતરી કરવા માટે કે સ્કીમનો કોઈ દુરુપયોગ ન થાય. નવા નિયમોમાં ઈમિગ્રેશન અધિકારીઓને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા પૂર્વ મંજૂરીના આધારે એક્સ્ટેંશન વિનંતીઓ પર પ્રક્રિયા કરવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.