એડવોકેટ દ્વારા વેદના સાથે મુખ્યમંત્રી, જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી
જેની સફાઈ કરવા-રાખવાની જવાબદારી છે તે પાલીકાના કર્મીઓ જ ગંદકી ફેલાવતા હોય તો કહેવું કોને ? તે સવાલ ઉભો થયો
રાજ્ય સરકાર એક તરફ “સ્વચ્છ ગુજરાત સ્વચ્છ શહેર” ની વાતો કરી રહી છે તો તેની ઉલટી કામગીરી યાત્રાધામ વેરાવળ સોમનાથની ભાજપ શાસિત નગરપાલિકા કરી રહી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. જેમાં શહેરની મધ્યે જુની કોર્ટના ટ્રાફીકથી ધમધમતા મુખ્ય રસ્તા ઉપર પાલીકાના જ સફાઈકર્મીઓ દરરોજ 20 થી 30 ટ્રોલી ગંદો કચરો ઠાલવીને ગંદકી ફેલાવી રહ્યા છે. ત્યારે આ બાબતે કાયદાનું ભંગ થતું હોય કાયદેસરની કાર્યવાહી કરી ગંદકી ફેલાવતા અટકાવવા એડવોકેટ આર.એસ.રૂપારેલ દ્વારા મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.
વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં ચોમેર ફેલાયેલી ગંદકીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર અને તંત્રને કરેલ રજુઆતમાં એડવોકેટ રૂપારેલના જણાવ્યા મુજબ શહેરની મધ્યે જુની કોર્ટના મુખ્ય રસ્તા ઉપર પાલિકાના સફાઈકર્મીઓ દરરોજ સવાર- સાંજ આશરે 20 થી 30 ટ્રોલી અન્ય સ્થળેથી એકત્ર કરેલ ગટરનો તથા અન્ય ગંદો કચરો ટ્રોલીઓમાં ભરીને જાહેરમાં નાંખીને ગંદકી ફેલાવી રહ્યા છે. આ કર્મીઓને રસ્તા પર કચરો નાંખવાની ના પાડતા હોવા છતાં માનતા ન હોવાથી રોગચાળો ફેલાવી રહ્યા છે.
આ અંગે પાલીકામાં ફરીયાદ કરવા છતાં કાયમી માટે કોઈ ઉકેલ લાવી રહ્યા નથી. આમ સફાઈ રાખવાની જેની ફરજ છે તે પાલીકાના કર્મીઓ જ ગંદકી ફેલાવતા હોય તો ફરીયાદ કોને કરવી ? આવું પણ ત્યારે થઈ રહ્યુ છે જ્યારે ગુજરાત મ્યુન્સીપાલિટી એક્ટ હેઠળ જાહેર રસ્તા ઉપર કચરો નાંખવા બદલ દંડની જોગવાઈ છે. જેથી આવી રીતે જાહેરમાં ગંદકી ફેલાવવાનું બંધ થાય અને આ રસ્તો ચોખો ચણાટ કરવામાં આવે તેવી માંગણી છે.
અત્રે નોંધનીય છે કે, જોડીયા શહેરના ઘણા વિસ્તારોમાં સફાઈકર્મીઓ જ ગંદકી ફેલાવતા જોવા મળે છે. ત્યારે સફાઈ પાછળ દર મહિને કરવામાં આવતા લાખો રૂપીયાનો ખર્ચ એળે જઈ રહ્યો છે. જેને ધ્યાને લઇ ઉપરી કક્ષાએથી જોડીયા શહેરમાં સારી રીતે વાસ્તવિક સફાઈ કામગીરી થાય તેનું આયોજન સાથે મોનીટરીંગ થવું જરૂરી છે.