-
વાઈબ્રન્ટ રાજકોટથી 20 હજાર રોજગારીનું સર્જન થશે : 10 હજાર નવા એકમો આવશે
-
સોયથી લઈને સોનાના વેપારને ફાયદો થશે : શાપરમાં વાઈબ્રન્ટ સમિટ, રાજ્યભરમાંથી ઉદ્યોગકારોએ ભાગ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાજકોટમાં વાઈબ્રન્ટ રાજકોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 7150 કરોડના MOU થયા છે. વાઈબ્રન્ટ રાજકોટથી ઉદ્યોગમાં વેપારનું વાઈબ્રેશન આવશે તેમ ઉદ્યોગકારોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. અત્યાર સુધી રાજકોટમાં જે એમઓયુ થયા છે તેનાથી 20 હજાર લોકોને રોજગારી મળશે અને નવા 10 હજાર એકમો આવવાની સંભાવના સેવાઈ રહી છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં ગઇકાલ એટલે કે ૧૫ ઓકટોબરથી વાઈબ્રન્ટ રાજકોટ બે દિવસીય સમિટનું આયોજન શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બિઝનેસ સર્વિસ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
રાજકોટમાં શાપર ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટના પ્રથમ દિવસે કુલ મળીને આશરે રૂપિયા ૭૧૫૦ કરોડથી વધુ રકમના આશરે ૧૮૫થી વધુ MOU સાઈન થયા હતા. જેના કારણે ભવિષ્યમાં ૨૦ હજારથી વધુ રોજગારીની તકો સર્જાશે.
પ્રાંત અધિકારી ડો.સંદીપ વર્મા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમના પ્રારંભે જ અલગ-અલગ ઉદ્યોગકારો દ્વારા સરકારના જુદા–જુદા વિભાગો સાથે કુલ રકમ રૂ.૪૭૦૯.૮૧ કરોડના MOU કરવામાં આવ્યા છે. જ્યારે ચાલુ કાર્યક્રમ દરમ્યાન વધુ ૧૭૦૦ કરોડના MOU કરવામાં આવ્યા છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ રકમ રૂ.૬૪૦૯.૮૧ કરોડના MOU થયા છે. આ MOU દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોમાં આશરે ૨૦,૦૦૦ કરતાં પણ વધારે લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, સાથે રોજગારીની વિપુલ તકોના કારણે લોકોનું જીવનધોરણ પણ વધુ ઊંચું આવશે.
તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારના ઉદ્યોગ વિભાગ સાથે રૂ.૧૩૨૪.૫૩ કરોડના કુલ ૮૧ MOU, ખાણ ખનીજ વિભાગ સાથે ૧૦૫.૪૦ કરોડના કુલ ૭ MOU, ખેતી વાડી વિભાગ સાથે રૂ. ૫૧.૫૪ કરોડના કુલ ૭ MOU, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સાથે રૂ ૫૯૯.૪૭ કરોડના કુલ ૨૪ MOU, ઊર્જા વિભાગ સાથે રૂ. ૮૯૨ કરોડના કુલ ૧૧ MOU, શ્રમ અને રોજગાર વિભાગ સાથે રૂ. ૧૬૧.૫૦ કરોડના કુલ ૫ MOU કરવામાં આવ્યા છે. અન્ય વિવિધ વિભાગો સાથે ઔદ્યોગિક ભાગીદારી સ્વરૂપે MOU કરવામાં આવ્યા છે, જેની કુલ ૨કમ રૂ.૬૪૦૯.૮૧ કરોડ જેટલી થાય છે. ઉપરાંત આ કાર્યક્રમ હેઠળ અન્ય સમજૂતી કરારો મળીને કુલ રૂપિયા ૬૮૫૮ કરોડના MOU રવિવારે બપોર સુધીમાં થયા છે. જ્યારે પ્રથમ દિવસે સાંજ સુધીમાં કુલ મળીને રૂપિયા ૭૧૫૦ કરોડથી વધુ રકમના ૧૮૫થી વધુ સમજૂતિ કરારો કરવામાં આવ્યા છે.