બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શનને કારણે વિરાટ કોહલી ટીકાઓથી ઘેરાયેલો છે. તેના પર નિવૃત્તિ લેવાનું દબાણ પણ વધી રહ્યું છે. આ દરમિયાન એવું બહાર આવ્યું છે કે કોહલી જૂન 2025 માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની તૈયારી માટે કાઉન્ટી ક્રિકેટ રમી શકે છે.
જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) IPL 2025 ના પ્લેઓફમાં નહીં પહોંચે તો જ વિરાટ કોહલી કાઉન્ટી ક્રિકેટ રમી શકશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ ઘરેલુ ક્રિકેટના મહત્વ પર ભાર મૂક્યો હતો.
25 મે ના રોજ રમાશે IPL ફાઈનલ
મીડિયા રિપોર્ટ મુજબ વિરાટ કોહલી કાઉન્ટી ક્રિકેટ રમશે, પરંતુ તે ત્યારે જ રમશે જો RCB પ્લેઓફમાં નહીં પહોંચે. IPL 2025 ની ફાઈનલ 25 મે ના રોજ રમાશે અને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 20 જૂનથી લીડ્સમાં શરૂ થશે. જો બેંગ્લોર ફાઈનલમાં પહોંચે છે, તો કોહલી પાસે ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવા અને કાઉન્ટી ક્રિકેટ રમવા માટે માત્ર 14 દિવસ બાકી રહેશે. સારી તૈયારી માટે આ કદાચ અપૂરતું સાબિત થશે.
પેટ કમિન્સે કર્યું હતું આ કામ
ભૂતકાળમાં કેટલાક આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની રમત સુધારવા માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ છોડી દીધી હતી. પેટ કમિન્સે આ કામ 2023 માં કર્યું હતું, જ્યારે તેણે ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી માટે IPL 2023 માંથી બ્રેક લીધો હતો. તેનો બ્રેક પણ સારો સાબિત થયો કારણ કે તેમની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 209 રનથી હરાવ્યું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.
RCB એ વિરાટને 21 કરોડમાં રિટેન કર્યો
IPL 2025 માટે, RCB એ વિરાટ કોહલીને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો. આનાથી તે IPL 2025નો પાંચમો સૌથી મોંઘો ખેલાડી બન્યો. કોહલી બેંગ્લોરની બેટિંગ લાઈનઅપનું નેતૃત્વ કરશે, તેથી તેની ગેરહાજરી આરસીબીની ટીમને નબળી પાડશે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિમાં વિરાટ કોહલી IPL 2025 ની આખી કે અડધી સીઝન ચૂકી જશે તેવી આશા બહુ ઓછી છે.