બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે યુરોપિયન દેશોના વિઝા સેન્ટરને દિલ્હીથી ઢાકા અથવા અન્ય કોઈ પાડોશી દેશમાં શિફ્ટ કરવા માટે વિનંતી કરી છે. તેમણે સોમવારે ઢાકામાં યુરોપિયન યુનિયન દેશોના રાજદ્વારીઓ સાથેની બેઠકમાં આ વાત કરી હતી.
અનેક મુદ્દાઓ પર બેઠકમાં કરવામાં આવી ચર્ચા
બાંગ્લાદેશમાં નિયુક્ત યુરોપિયન યુનિયન પ્રતિનિધિમંડળના વડા માઈકલ મિલરે બપોરે 12 વાગ્યે રાજધાનીના તેજગાંવમાં મુખ્ય સલાહકારના કાર્યાલયમાં મોહમ્મદ યુનુસ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં 19 સભ્યોના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બાંગ્લાદેશી મીડિયા અનુસાર લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં 15 પ્રતિનિધિઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ બેઠકમાં શ્રમ અધિકારો, વેપાર સુવિધા, આબોહવા પરિવર્તન, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ અધિનિયમનો અમલ, રોહિંગ્યા પ્રત્યાર્પણ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ અંગે બંનેની પ્રતિબદ્ધતાઓ અને પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં, મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ઉપસ્થિત રાજદ્વારીઓને બાંગ્લાદેશીઓ માટે તેમના વિઝા કેન્દ્રોને દિલ્હીથી ઢાકા અથવા અન્ય કોઈ પાડોશી દેશમાં શિફ્ટ કરવા વિનંતી કરી હતી.
ભારતે બાંગ્લાદેશીઓ માટે વિઝા પ્રતિબંધિત કર્યા
ડૉ. યુનુસે કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓ દિલ્હી જઈને યુરોપિયન વિઝા મેળવી શકતા નથી કારણ કે ભારતે બાંગ્લાદેશીઓ માટે વિઝા પ્રતિબંધિત કર્યા છે. ત્યારે તેમની શૈક્ષણિક કારકિર્દી અંગે અનિશ્ચિતતા રહે છે અને જો વિઝા ઓફિસને ઢાકા કે કોઈ પડોશી દેશમાં શિફ્ટ કરવામાં આવે તો બાંગ્લાદેશ અને ઈયુ બંનેને મોટો ફાયદો થશે.
બલ્ગેરિયાએ વિઝા કેન્દ્રોને ઈન્ડોનેશિયા અને વિયેતનામમાં શિફ્ટ કરી દીધા
બેઠકમાં ભાગ લેતા વિદેશી બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે બલ્ગેરિયાએ પહેલાથી જ બાંગ્લાદેશીઓ માટે તેના વિઝા કેન્દ્રોને ઈન્ડોનેશિયા અને વિયેતનામમાં શિફ્ટ કરી દીધા છે. તેમણે અન્ય દેશોને પણ આ જ પ્રક્રિયા કરવા માટે વિનંતી કરી છે. EU પ્રતિનિધિઓએ સુધારણા પ્રક્રિયામાં મુખ્ય સલાહકારને તેમનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે સૂચનો અને ભલામણો આપીને નવા બાંગ્લાદેશના નિર્માણના લક્ષ્યને સમર્થન આપવાનું વચન પણ આપ્યું હતું.