રશિયા અને ભારત વચ્ચેના ગાઢ સંબંધો વચ્ચે ભારતીયો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતના લોકો ટૂંક સમયમાં વિઝા વિના રશિયાની મુલાકાત લઈ શકશે. 2025માં ભારત અને રશિયા વચ્ચે આ અંગેની સિસ્ટમ વિકસિત થવાની સંભાવના છે.
અગાઉ જૂનમાં એવા અહેવાલો આવ્યા હતા કે ભારત અને રશિયાએ વિઝા મુક્ત મુસાફરી માટે એકબીજાના વિઝા પ્રતિબંધોને ઘટાડવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી છે.
2023થી ભારતીયો માટે શરૂ કર્યા ઈ-વિઝા
રશિયાએ ઓગસ્ટ 2023થી ભારતીયો માટે ઈ-વિઝા શરૂ કર્યા, જેની પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ 4 દિવસનો સમય લાગે છે. મીડિયા રિપોર્ટ મુજબ ગયા વર્ષે રશિયા દ્વારા ઈ-વિઝા ઈશ્યુ કરવામાં આવતા ટોપના પાંચ દેશોમાં ભારત સામેલ હતું. રશિયાએ ભારતીયોને 9,500 ઈ-વિઝા આપ્યા.
હાલમાં રશિયામાં પ્રવેશવા, રહેવા અને બહાર નીકળવા માટે, ભારતીય નાગરિકોએ રશિયન એમ્બેસી અથવા કોન્સ્યુલેટ દ્વારા જાહેર કરાયેલ વિઝા મેળવવાની જરૂર છે, જે એક લાંબી પ્રક્રિયા છે.
ભારતીયો રેકોર્ડ સંખ્યામાં જઈ રહ્યા છે રશિયા
મોટાભાગના ભારતીયો વેપાર કે કામ માટે રશિયા જાય છે. 2023 માં 60,000 થી વધુ ભારતીયોએ રશિયાની મુલાકાત લીધી, જે 2022 કરતા 26 ટકા વધુ છે.
રશિયા તેના વિઝા ફ્રી ટૂરિસ્ટ એક્સચેન્જ હેઠળ ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપી રહ્યું છે. ચીન અને ઈરાન સાથે રશિયાનો સહયોગ સફળ રહ્યો છે, જેને જોતા માનવામાં આવે છે કે ભારત સાથે પણ આવી જ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
ભારતીય પાસપોર્ટ માટે 62 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
હાલમાં ભારતીય પાસપોર્ટ ધારકોને 62 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રીનો અધિકાર છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024માં ભારતનો પાસપોર્ટ 82માં ક્રમે છે, જેની મદદથી ભારતીયો ઈન્ડોનેશિયા, માલદીવ્સ અને થાઈલેન્ડ જેવા પ્રવાસના સ્થળોની વિઝા વિના મુસાફરી કરી શકે છે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (IATA)ના ડેટાના આધારે બહાર પાડવામાં આવે છે. ઈન્ડેક્સ આધારે છે કે દેશનો પાસપોર્ટ ધારક તમામ મૂળભૂત પ્રવેશ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે, એક પુખ્ત નાગરિક છે જે એકલા મુસાફરી કરે છે અને ટૂંકા ગાળાના રોકાણ, પ્રવાસન અથવા વ્યવસાયિક હેતુઓ માટે પ્રવેશ માંગે છે. પરંતુ આ ઈન્ડેક્સમાં રાજદ્વારી મુસાફરી, કટોકટી અથવા અસ્થાયી પાસપોર્ટ અને પરિવહન રોકાણનો સમાવેશ થતો નથી.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.