ર૧ રાજયોમાં ચૂંટણી પ્રચારમાં ભાજપ સામે વિપક્ષો વિખરાયેલા નજરે પડયા
ઇન્ડિયા એલાયન્સે એક પણ સંયુકત રેલી યોજી નથી : ગઠબંધનનો સંયુકત એજન્ડા ન આવ્યો
3૯મી લોકસભાની ર૦ર૪ની ચૂંટણીના પ્રથમ તબકકાનું મતદાન આજે સવારથી શરૂ થઇ ગયુ છે. જેમાં તામીલનાડુની 3૯ બેઠક ઉપરાંત રાજસ્થાન, પશ્ચિમ ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ,કાશ્મીરના ઉધમપુરની બેઠક ,અરૂણાચલ,છતીસગઢ સહિતના રાજયોની ૧૦ર બેઠક ઉપર મતદાન થનાર છે. કુલ ૯૭ કરોડ મતદારોમાંથી પ્રથમ તબકકાની આજની ચૂંટણીમાં ૧૬ કરોડ મતદારો મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. ભાજપના નેતૃત્વ વાળા ગઠબંધન એનડીએ (નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ) અને કોંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધન વચ્ચે આ ચૂંટણીમાં સીધી સ્પર્ધા છે. એનડીએ ર૦૧૪ અને ર૦૧૯ની સતત બે જીત બાદ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકસીત ભારતના મુદા હેઠળ ચૂંટણી લડી રહી છે. જે દસ વર્ષમા દેશમાં વિકાસના કામો કેટલા થયા? કેટલો બદલાવ આવ્યો એ મુદા આગળ ધરી રહી છે. સાથે સાથે ચૂંટણીના બે દિવસ પહેલાં રામનવમીએ અયોધ્યા રામમંદિર ખાતે ભગવાન શ્રી રામના ભાલ ઉપર સૂર્ય તિલક થયુ તેની સાથેની વડાપ્રધાનની તસવીરો દ્વારા હિન્દુત્વના મુદાને પણ રિચાર્જ કરી રહયુ છે.
સામા પક્ષ ઇન્ડિયા ગઠબંધન મુખ્યત્વે કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ મોદીના દસ વર્ષના શાસન દરમિયાન બેરોજગારી,ભ્રષ્ટાચાર,સરકારી એજન્સીઓ ઇ.ડી.ઇન્કમટેકસ,સી.બી.આઇ.વગેરેના દૂરઉપયોગ સતાના અહંકાર વગેરે મુદા ઉપર પ્રચાર કર્યો છે.
ર૮ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનમાં સાર્વત્રિક એકતા જોવા મળી નથી. સહુ પ્રથમ તો ઇન્ડિયા ગઠબંધન સતા ઉપર આવશે તો તેમનો સંયુકત એજન્ડા શું હશે તેની પણ મતદારોને જાણ નથી કરી. પ્રથમ તબકકાની ચૂંટણીમાં ર૮ પક્ષોના નેતાએ એક સાથે આવી કોઇ રેલી કે કોઇ સભા નથી કરી. માત્ર સંયુકત પત્રકાર પરિષદથી મન મનાવી લીધુ છે.
એનડીએના ૪૦૦ પારના એક જ સૂત્ર સામે વિપક્ષો કોઇ એક સૂત્ર સાથે ચૂંટણી લડી નથી રહયા. સૌથી મોટા પક્ષ કોંગ્રેસને બાદ કરતાં તમામ પક્ષો પ્રાદેશીક પક્ષો છે. જે તેમના રાજય સિવાય સંયુકત પ્રભાવ દાખવવા મેદાન નથી આવ્યા. મોદી શાસનમાં દસ વર્ષમાં અનેક બાબતો એવી છે કે જે રાષ્ટ્રીય પ્રચારના મુદા બની શકે. પરંતુ કયાંકને કયાંક વિપક્ષો સંગઠીત રીતે આ મુદાઓ ઉજાગર કરવામાં નિષ્ફળ રહયા છે. ખાસ કરીને ગુજરાત સહિતના રાજયોમાં ભાજપની અંદર જ અસંતોષ, એન્ટીઇનકમ્બન્સી વડાપ્રધાન મોદી સિવાયના મંત્રીઓ,મુખ્યમંત્રીઓની સતા વિહિન દશા વગેરે મામલે ખુલીને વાત નથી થઇ. આ કારણે પ્રથમ તબકકામાં વિપક્ષો પ્રચારમાં ફિકકા રહયા છે. કદાચ કોંગ્રેસને અને વિપક્ષોને એવુ લાગે છે કે ઝાડ ઉપર પાકેલું ફળ નીચે પડશે અને તેમના મોં માં આવી જશે. મતદારો મોદી શાસનથી કંટાળી તેમને મત આપી દે. પ્રથમ તબકકાના પ્રચારની બન્ને પક્ષની તુલના કરી તો ફરી એક વખત ભાજપએ મેદાન માર્યુ છે. તામીલનાડુ સહિતના રાજયોમાં ભાજપનો આક્રમક પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓ અને રેલીઓ અને અન્નામલાઇ સહિતના ઉભરતા ક્ષેત્રિય નેતાઓની સાથેના પ્રચાર બાદ હવે મતદારોના હાથમાં મતદાનનો મદાર છે. જો મતદારો એન્ટીઇનકમ્બન્સી મતદાન નહિ કરે તો ભાજપ એનડીએ ત્રીજી ટર્મ તરફનો ટ્રેન્ડ પ્રથમ તબકકાના મતદાન માદ પકડી લેશે.