અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો 2020ની ચૂંટણીમાં હાર ઉથલાવવાના પ્રયાસ અને ગોપનીય સરકારી દસ્તાવેજો ગેરવલ્લે કરવાનો કેસ લડી ચૂકેલા સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથે ટ્રમ્પ આગામી 20 જાન્યુઆરીએ શપથ લે તે પહેલાં રાજીનામું આપી દીધું છે. જેક સ્મિથે ટ્રમ્પ અંગેનો પોતાનો તપાસ રિપોર્ટ રજૂ કર્યા બાદ ન્યાય વિભાગમાંથી રાજીનામું આપ્યું છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એઇલીન કેન્નોન સમક્ષ કોર્ટ ફાઇલિંગમાં જણાવ્યાનુસાર સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથ પોતાનું કામ પૂર્ણ કરી ચૂક્યા છે. તેમણે અંતિમ ગોપનીય અહેવાલ 7 જાન્યુઆરીએ સોંપ્યો હતો અને 10 જાન્યુઆરીએ તેઓ ન્યાય વિભાગથી અલગ થઇ ચૂક્યા છે. ટ્રમ્પ 2020ની ચૂંટણી હાર્યા બાદ તેમની સામેના ચાર કેસ પૈકી બે કેસ જેક સ્મિથ લડયા હતા. જોકે ફ્લોરિડામાં ટ્રમ્પે નીમેલા જજે એક કેસ ફગાવી દીધો હતો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પણ ટ્રમ્પે નીમેલા ત્રણ જજે ઠરાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપ્રમુખો સત્તાવાર કાર્યો માટે કાનૂની કાર્યવાહીથી સંપૂર્ણ માફી ધરાવે છે. એકેય કેસ ટ્રાયલના તબક્કા સુધી પહોંચ્યો નહોતો. જેક સ્મિથનું રાજીનામું અપેક્ષિત હતું કેમ કે ટ્રમ્પ ઘણીવાર તેમને ધૂની કહી ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રમુખપદ સંભાળ્યા બાદ તેઓ જેકની હકાલપટ્ટી કરશે અને જેક સહિત પોતાની વિરુદ્ધ તપાસ કરનારાઓ સાથે બદલો લેશે.