દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે : વિકાસના નામે પ્રજાના કરવેરાનું આંધણ થાય છે
પ્રજાની આજ કાલ બરાબરની ફિરકી લેવાઇ રહી છે. તેમને સમશ્યાના નવા નવા ચક્રવ્યુહમાં ફસાવી વહિવટી તંત્ર અને સતાધાર પક્ષ ભાજપ જુદા જ નશામાં રાજ ચલાવે છે. ગઇ કાલે રાજકોટમાં લોકો પોતાના વાહનો લઇને બહાર નિકળ્યા હશે તેમને ખબર પડી ગઇ હશે કે દોઝખ અને આ ટ્રાફિક સમશ્યા બન્નેમાં કોઇ પણ પસંદ કરો સજા ઓછી નથી. શહેરના તમામ માર્ગો ઉપર બેફામ દબાણ,રસ્તાઓ ઉપર આડેધડ પાર્કિંગ અને શહેરના તમામ માર્ગો ખાડા ખબડા અને તુટેલા હોવાથી વધારાની પરેશાનીનો લોકોને અનુભવ થયો. ટ્રાફિક પોલીસ પરસેવો પાડે તો પણ પહોંચી ન શકે તેવું ટાઉન પ્લાનીંગ.કર્ટસી સાગઠિયા એન્ડ કંપની.
કેટલાક પાયાના સવાલ થાય. પ્રથમ સવાલ એ ઉભો થાય કે શહેરની વસતિ વધી ગઇ અને લોકો મોટી માત્રામાં બહાર નિકળે છે અને વાહનો લઇને નિકળે છે એટલે આ સમશ્યા થાય છે ? તેનો જવાબ એ છે કે જયાર શહેરનો વિકાસ કરો ત્યારે તમારે વસતિ વધારાને અને શહેરના વિકાસને ધ્યાને લઇને અર્બન પ્લાનીંગ કરવાનું હોય છે. બીજો સવાલ ઉભો થાય કે શું મોટા શહેરોમાં રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ અપનાવી પડે તે આપણે અપનાવી છે. તેનો જવાબ પણ ના છે. ત્રીજો સવાલ એ છે કે માસ ટ્રાન્સપોર્ટેશન માટેના વિકલ્પો છે.? તેનો જવાબ પણ અડધો છે. શહેરની અડધા રીંગ રોડ ઉપર બસો દોડે છે. તેને કનેકટ કરી મુંબઇ અમદાવાદની માફક ઇન્ટરનલ ટ્રાફિક સિસ્ટમ હજુ નથી ગોઠવાઇ.
રાજકોટમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની સંખ્યા ખુબ વધી ગઇ છે ? તેનો જવાબ હા છે. લગભગ એક ઘર દોડ જેટલા એડલ્ટ લોકો છે તેમની પાસે એક ફોર વ્હીલ અથવા એક ટુ વ્હીલર છે. કારણ કે મુંબઇ અમદાવાદ જેવી માસ ટ્રાન્સોપોર્ટેશન વ્યવસ્થા આપણે ગોઠવી નથી શકયા. માત્ર સસ્તી પ્રસિધ્ધી અને મનોરંજનના ગતકડાના જોરે શહેરનો વિકાસ ન થાય. મેયર તમારે દ્વારે કાર્યક્રમ કરો તો લોકોનો ફરિયાદોનો ઢગલો થાય તે જ તમારી નિષ્ફળતા બતાવે છે.
તંત્ર પાછળ કરોડો રૂપિયાનું આંધણ થતું હોય. એ પણ પ્રજાના પરેસવાના પૈસાનું આંધણ થતું હોય ત્યારે પ્રજા દોઝખમાં ટળવળે ત્યારે તંત્રની નિષ્ફળતા સાબિત થાય છે આ નિષ્ફળતાથી આ મહાનુભાવો વાકેફ નથી એવું નથી. તેમને કોઠે પડી ગયુ છે. આ બધું. લોકોને વિવિધ ધાર્મિક અને અન્ય ભાવનાત્મક બાબતોમાં ભડકાવીને ચૂંટણીઓમાં વિજય મેળવવાની એક પરંપરા ચાલી છે. પ્રજાએ આ રીતે મતદાન કરી તેમના પરિણામો ચાખી લીધા છે. પ્રજાને વધુ લાંબા સમય સુધી નજરઅંદાજ ન કરી શકાય. લોકસભાના પરિણામોઅ ને ઉતર પ્રદેશના પરિણામો બતાવે છે કે જનમાનસ હવે બદલાઇ રહયુ છે. સ્થાનિક ચૂંટણીઓમાં પણ હવે પરિણામો બદલાઇ રહયા છે.
લોકોને સારો વહિવટ આપવાની વાત તો ઠીક ભ્રષ્ટાચારીઓને છાવરવાની એક પરંપરા હવે ભાજપ માટે જ પડકાર બની ગઇ છે સાગઠિયાને પકડે તો ઠેબા ઉભો થાય. ઠેબાને પકડે તો મારૂ પહેલાં દિવસથી જ ખંડણીની દુકાન ખોલે. ભ્રષ્ટાચારને હવે એકસટોર્શનની વ્યાખ્યામાં લેવો જોઇએ. કોઇ અરજદાર અમલદારોને સામેથી લાંચ આપવા નથી જતો. તેમને ફરજ પડે છે. ફરજ નાણા ચુકવવાની આ પધ્ધતિને ઇરાદા પૂર્વક લાંચની વ્યાખ્યામાં કાયદામાં લેવામાં આવી છે. જો સરકારની ઇચ્છા શકિત હોય તો અમલદારો કે સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ આપવા ફરજ પાડવામાં આવે તેને ખંડણી(એકસટોર્શન)ની વ્યાખ્યામાં લઇ એ મુજબ ગુનો નોંધી સજા થાય તો મારૂઓ મરે. બાકી પ્રજાનો જ મરો થાય છે. રાજકિય ઇચ્છા શકિતના અભાવે જ આવી લાલિયાવાડી ચાલે છે.
ટ્રાફિકની સમશ્યા હોય કે રસ્તાની સમશ્યા તેને ઉકેલવાની શકિત ન હોવી તે પણ સતા ઉ૫ર બેસવા માટેની અયોગ્યતા છે. આવા નેતાઓને જાહેર જીવન છોડી દેવું જોઇએ. પ્રજાને વહિવટી કુશળતા અને લોકસેવાની ભેખ ધરાવતાં સેવકોની જરૂર છે. નહિ કે અહંકારમાં રાચતાં અને સતાના માર્ગે માલેતુજાર બનતાં નેતાઓની. જો આવા નેતાઓને પ્રજા વેંઢારે છે અને બાદમાં ફરિયાદો કરે છે તો પ્રજાને પણ આવી સમશ્યાઓ કાયમી ભોગવવી પડશે.