હોળીની સાંજે જાહેર થયેલા જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ભર્યો હુંકાર
સૌરાષ્ટ્રમાં જામનગર અને જુનાગઢ બંન્ને બેઠકો ઉપર ભાજપમાંથી વર્તમાન સાંસદો રીપીટ થયા
ઘણા દિવસોથી જુનાગઢ લોકસભા બેઠકનું ગુચવાયેલું કોકડું અંતે ઉકેલાયું છે અને ભાજપ પક્ષના હાઇકમાન્ડ દ્વારા હોલિકા ઉત્સવની સંધ્યાએ જ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રીપીટ કરવાની સત્તાવાર જાહેરાત કરી ચુંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સાંસદ રીપીટ થવાની જાહેરાતને સાંસદના સમર્થકો અને ભાજપ કાર્યકરોમાં ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે આવકારી હતી. ઉમેદવારીની જાહેરાત બાદ સાંસદ રાજેશ ચુડાસમા વેરાવળમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા કાર્યકરોએ આતશબાજી કરી આવકાર્યા હતા. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયા, શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા સહિતના ભાજપના આગ્રણીઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર સાથે વધાવ્યા હતા. ત્યારબાદ સૌ એ વેરાવળમાં હોળી પર્વે ભોય સમાજ દ્વારા થતા ભૈરવનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
આ તકે મિડીયા સાથે વાતચીત કરતા સાંસદ રાજેશ ચુડાસમાએ હુંકાર કર્યો હતો કે, ગુજરાતની 26 એ 26 લોકસભા બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાની છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે જીતીશું. જૂનાગઢ અને ગીરસોમનાથની જનતા ને દસ વર્ષ માં અમે આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા છે. હજુ પણ આવનારા સમયમાં આ વિસ્તારમાં પ્રવાસન, યાત્રાધામ, દરિયાઈ કાંઠાના બંદરો, જુનાગઢમાં શિક્ષણ ક્ષેત્રે તેમજ ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાત્રી આપી હતી.
એક તબબકે જૂનાગઢ લોકસભા બેઠક ઉપરનો રિપીટ થિયરી સાથે ઉમેદવાર બદલવા હાઇકમાન્ડ વિચારી રહ્યું હતુ. જે પ્રશ્નનો જવાબ આપતા રાજેશ ચુડાસમા એ જણાવ્યું કે, 2014 કે 2019 બંન્ને વખત જૂનાગઢ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત મોડેથી થયેલ તે મુજબ 2024 માં પણ થઈ છે પરંતુ મૈને અમારા કાર્યકરોના ઉત્સાહ પર વિશ્વાસ હતો અને ભગવાન સોમનાથ અને માં ભાવનીના આશીર્વાદ સદાય મારી સાથે રહ્યા છે. 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં રેકર્ડબ્રેક સીટો સાથે વિજય થવાના છીએ ત્યારે યુવા સાંસદ તરીકે મૈને હેટ્રીક કરવા સોરઠની પ્રજાના પીએમ મોદી અને ભાજપ ઉપર ભરોસાને યથાવત રાખી મારી પસંદગી કરી છે.