પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક બાદ એક આકરા નિર્ણયો લઈને પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરી દીધી છે. સિંધુ જળ સંધિને સ્થગિત કરવા, પાકિસ્તાની નાગરિકોને વિઝા ન આપવા અને દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં સ્ટાફની સંખ્યા ઘટાડવા જેવા પગલાંઓએ પાકિસ્તાનની શાહબાઝ સરકારની ઉંઘ હરામ કરી દીધી છે.
ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક બેઠક યોજાઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત જેવી બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવશે. સૌથી ચોંકાવનારું નિવેદન એ હતું કે પાકિસ્તાને હવે શિમલા કરાર રદ કરવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે શું છે આ શિમલા કરાર, જાણો.
ક્યારે થયો હતો શિમલા કરાર?
તમને જણાવી દઈએ કે શિમલા કરારનો પાયો 1971ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પછી નખાયો હતો. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના પૂર્વી ભાગ (હવે બાંગ્લાદેશ)ને મુક્ત કરાવ્યો અને પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું. ભારતે લગભગ 90 હજાર પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવ્યા હતા. ભારતે પશ્ચિમ પાકિસ્તાનના લગભગ 5,000 ચોરસ માઈલ વિસ્તાર પર પણ નિયંત્રણ મેળવ્યું હતું. આ યુદ્ધના લગભગ 16 મહિના બાદ 2 જુલાઈ 1972ના રોજ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
શા માટે કરવામાં આવ્યો હતો શિમલા કરાર?
શિમલા કરાર વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા અને ભવિષ્યના કોઈપણ વિવાદને શાંતિ અને વાતચીત દ્વારા ઉકેલવાની પ્રતિબદ્ધતા છે. આ કરારમાં પરસ્પર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન તેમના તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલશે. કોઈ ત્રીજા દેશ કે સંગઠનને આમાં દખલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ કરારનો એક મહત્વપૂર્ણ મુદ્દો એ હતો કે ભારત અને પાકિસ્તાન પરસ્પર સંમતિથી કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC)ને માન્યતા આપશે અને કોઈપણ પક્ષ તેને એકપક્ષીય રીતે બદલી શકશે નહીં.
પાકિસ્તાન શિમલા કરારનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે
બંને દેશોએ એવો પણ સંકલ્પ કર્યો કે તેઓ એકબીજા વિરુદ્ધ બળનો ઉપયોગ, યુદ્ધ કે ભ્રામક પ્રચારનો આશરો લેશે નહીં. આપણે શાંતિ જાળવીશું અને સંબંધો સુધારીશું. આ કરાર હેઠળ ભારતે 90,000 પાકિસ્તાની સૈનિકોને કોઈપણ શરત વગર મુક્ત કર્યા અને કબજા હેઠળનો પ્રદેશ પણ છોડી દીધો હતો. સામે છેડે પાકિસ્તાને કેટલાક ભારતીય કેદીઓને પણ મુક્ત કર્યા હતા. પરંતુ દાયકાઓ પછી આજે જ્યારે ભારતે આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને પાકિસ્તાનને ઘેરી લીધું છે અને સિંધુ જળ સંધિ જેવા પગલાં લીધા છે, ત્યારે પાકિસ્તાન શિમલા કરારનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે.