માયાવતીને સાથે ના લેશો એવી ચીમકી એસપીએ આપી તે પછી માયાવતીએ જાહેરમાં નિવેદન આપીને હલચલ મચાવી છે, કેમ કે બીએસપીનું વલણ યુપીમાં અગત્યનું થવાનું છે
બીએસપીના નેતાએ જાહેરમાં આવીને નિવેદન આપ્યું કે દરેકને કોઈનીને કોઈનીક્યારેક જરૂર પડતી હોય છે, માટે નિવેદનો કરતા પહેલાં બેવાર વિચારી લેવું જોઈએ. એસપી પાર્ટી તેનો નમૂનો છે એમ કહીને માયાવતીએ કહ્યું કે ટેકો નથી જોઈતો એવી વાત કરનારા પક્ષને ગમે ત્યારે અમારા ટેકાની પણ જરૂર પડી શકે છે એવો ઈશારો કર્યો છે. એનડીએ કે ઈન્ડિયા ગઠબંધન બેમાંથી એકેય સાથે ના જોડાયેલા હોય તેવા પક્ષો પણ છે અને તેમના વિશે ગમે તેવા નિવેદનો કરવાની જરૂર નથી.
અમારો પક્ષ સેક્યુલર છે એમ કહીને તેમણે વાત કરી એટલે એવી શક્યતાઓ વ્યક્ત થવા લાગી હતી કે તેમને ઈન્ડિયા ગઠબંધનમાં જવું છે, પણ પોતાની શરતે. કોંગ્રેસ તેમને સાથે લેવા તૈયાર છે, પણ તેમાં વિરોધ અખિલેષ યાદવ અને જયંત ચૌધરીનો છે. 2017માં એસપી અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું ત્યારે માયાવતીએ જયંત ચૌધરીના આરએલડીનો વિરોધ કર્યો હતો. તે વખતે માયાવતી તેમને સાથે રાખવા માગતા નહોતા એટલે અખિલેષે પોતાના ક્વોટામાંથી જયંત ચૌધરીના ઉમેદવારોને ટિકિટ આપી હતી. સરવાળે એવું થયું કે પેપર પર આટલું મજબૂત લાગતું સંગઠન પરિણામમાં નિષ્ફળ ગયું હતું.
માયાવતીને પોતાને જ તેમાં ફટકો પડ્યો હતો. 2022માં બીએસપી સાથેનું ગઠબંધન રદ કરી દેવાયું તેમાં નુકસાન એ થયું કે ઉત્તર પ્રદેશ જેવા મહત્ત્વના રાજ્યમાં વિધાનસભામાં બીએસપીનો એક માત્ર સભ્ય બચ્યો. 2019માં ગઠબંધનને કારણે જ માયાવતીના પક્ષને 10 સાંસદો મળ્યા હતા, પણ 2022માં વિધાનસભામાં પક્ષ સાફ થઈ ગયો. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દર વખતે થોડી બેઠકો મળતી હતી અને તેના કારણે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પણ રહેતો હતો. પરંતુ આ વખતે બેમાંથી એકેય રાજ્યમાં બીએસપીને યાદ કરવાની કોઈને જરૂર પડી નહોતી.
સામી બાજુ વાસ્તવિકતા એ છે કે માયાવતીએ ભાજપને ફાયદો થાય તે રીતે જ રાજકારણ કર્યા સિવાય છૂટકો નથી. તેમણે નક્કી કરવાનું છે કે જેલમાં જવું કે બહાર રહીને ઉપયોગી થવું. ઈડીનું સમન્સ આવે અને પૂછપરછ માટે હાજર થાય તે જ દિવસે તેમની ધરપકડ ના થઈ જાય તેની કોઈ ગેરેન્ટી નથી. અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની ઘડીઓ ગણાય છે અને તેમાં દિવસો જ કાઠવામાં આવી રહ્યા છે. તે સંજોગોમાં માયાવતી માટે હવે બીએસપીનું રહ્યુંસહ્યું અસ્તિત્વ કેવી રીતે બચાવવું એ સવાલ થયો છે. ભાજપ તેને સાથે લઈને બેઠકો આપે અને ફરીથી તેના સભ્યો વિધાનસભામાં દેખાવા લાગે તેવું પણ નથી થવાનું. ભાજપને એવી કોઈ ગરજ નથી અને માત્ર પોતાના કહ્યા પ્રમાણે દલિતોના અને મુસ્લિમોનો મતો વિપક્ષમાં ના જાય તેટલું જ કામ કરવાનું છે. એટલે રાજકીય રીતે અસ્તિત્વ આમ પણ ભૂંસાઈ જવાનું છે ત્યારે માયાવતી શું કરશે તે સવાલ વારંવાર થાય છે.
વારંવાર સવાલ પછી માયાવતીના નિવેદનો આવે છે, પણ ઉત્તર નિુરુત્તર રહે છે. આ વખતે પણ ઘણા લોકોએ એવું કહ્યું કે માયાવતીએ જાહેરમાં આવીને પોતે ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવા માટે તૈયાર છે અને ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એવો ઈશારો કર્યો છે. સામી બાજુ એસપીની ટીકા કરીને કહ્યું છે કે તમને પણ અમારી ગરજ પડી શકે છે. એટલે વાત એટલી સીધી નથી કે ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી હોય. ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની સાન ઠેકાણે લાવવા માટે તેમણે નિવેદન આપ્યું એવું પણ વિશ્લેષણ થઈ શકે છે, કેમ કે તમને મારી ગરજ હજીય ઉત્તર પ્રદેશમાં પડવાની છે એવું ચોખ્ખું તેમણે સંભળાવી દીધું છે.
જાણકારો કહે છે કે પાંચ રાજ્યોની ચૂંટણી હતી તે વખતે જ પ્રિયંકા ગાંધીએ માયાવતીનો સંપર્ક કર્યો હતો. બીએસપી સાથે સિમ્બોલિક પણ ગઠબંધન થઈ શકે તે માટે પણ એક પ્રયાસ હતો. જોકે એ શક્ય બન્યું નહોતું. એવા પણ અહેવાલો છે કે માયાવતીએ ઉત્તર પ્રદેશમાં પક્ષના સંગઠનને એક સર્વે કરવાનું કહ્યું હતું, જેથી જાણી શકાય કે કયા પક્ષ સાથે ગઠબંધન કરીએ તો કાર્યકરો સ્વીકારે. તેમાં કોંગ્રેસ સાથે ગઠબંધન માટે કાર્યકરો થોડા તૈયાર હોવાનું જાણવા મળ્યું હતું. એસપી કે આરએલડી સાથે ગઠબંધન થાય ત્યારે સામા પક્ષ તરફથી કાર્યકરોનું સમર્થન નથી મળતું એવો અનુભવ બીએસપીના કાર્યકરોને થયેલો છે. તેથી એસપી સાથે નહીં, પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકાય.
મુશ્કેલી એ છે કે કોંગ્રેસ માટે એસપી અનિવાર્ય છે. એસપીના સમર્થન વિના અમેઠી અને રાયબરેલી જેવી પરંપરાગત બેઠકો જાળવી રાખવી પણ કોંગ્રેસ માટે મુશ્કેલ છે. બીએસપી પાસે માત્ર જાટવ વોટ રહી ગયા છે. માયાવતીનું વલણ ભાજપતરફી દેખાવા લાગ્યું છે ત્યારથી મુસ્લિમ મતો તેનાથી દૂર જતા રહ્યા છે. મુસ્લિમ વોટબેન્ક કોંગ્રેસ અને એસપી સાથે જઈ રહી છે એટલે માયાવતી માટે કોઈ માર્ગ રહ્યો નથી. એટલે માયાવતીએ ભલે એસપીને સંભળાવ્યું કે કોઈની પણ જરૂર પડી શકે છે, તે વાત પોતાને પણ લાગુ પડે છે. તેમને પોતાને પણ હવે ભત્રીજા માટે પક્ષને બચાવીને રાખવો હોય તો ઈન્ડિયા ગઠબંધન સાથે જવું પડે તેમ છે. મુશ્કેલી એ છે કે ઈન્ડિયા ગઠબંધનમાં તેને ભાવ મળે તેમ નથી. એથી કદાચ વર્તમાન સ્થિતિમાં સત્તાસ્થાને બેઠેલા ભાજપ સાથે જ રહેવામાં માયાવતીને સાર દેખાઈ શકે છે. ભત્રીજાને પક્ષનું સુકાન સંભાળ્યું છે ત્યારે પક્ષ થોડા વર્ષો ટકી જાય તે જરૂરી છે. ભાજપનો વિરોધ કરીને ટકી શકે તેમ નથી અને એજન્સીઓની તપાસ શરૂ થાય ત્યારે પક્ષ વિખેરાઈ જશે એ પણ તેમને ખ્યાલ છે. એટલે માયાવતી મજબૂર થઈને ઈન્ડિયા ગઠબંધનમાં જશે એમ અત્યારે લાગતું નથી. બાકી, જોઈએ.