ચીન બાદ ભારતને ફટકો મારનાર HMPV પર વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. WHOએ તેને સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું છે કે HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસ નવો નથી, તેની ઓળખ 2001માં જ થઈ હતી. તે લોકોમાં લાંબા સમયથી હાજર છે જે શિયાળાની ઋતુમાં વધે છે.
આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ કરી આ અપીલ
તાજેતરમાં જ ચીનમાં HMPVના ઘણા કેસ નોંધાયા હતા, ત્યારબાદ ભારતમાં પણ તેના દર્દીઓ મળવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં લોકોની ચિંતા વધી ગઈ હતી. વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વાયરસ પણ કોરોના જેવી તબાહી સર્જી શકે છે. જો કે, તાજેતરમાં આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ લોકોને ના ગભરાવાની અપીલ કરી હતી. હવે WHOએ પણ આ વાત સ્પષ્ટ કરી છે.
WHOએ શું કહ્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં WHOએ કહ્યું કે HMVP કોઈ નવો વાયરસ નથી, 2001માં જ તેની ઓળખ થઈ ચૂકી હતી અને તે લોકોની વચ્ચે જ હાજર છે. આ એક સામાન્ય વાયરસ છે, જે શિયાળા અને વસંત ઋતુમાં ફેલાય છે. શ્વાસ અને સામાન્ય શરદી જેવી ફરિયાદ થઈ શકે છે.
ભારતમાં આ વાયરસના 9 કેસ મળી આવ્યા
દેશમાં અત્યાર સુધીમાં HMPVના 9 કેસ નોંધાયા છે, નવમો કેસ બુધવારે સવારે મહારાષ્ટ્રમાં નોંધાયો હતો, જ્યાં હિરાનંદાની હોસ્પિટલમાં 6 મહિનાની બાળકીમાં આ ચેપ જોવા મળ્યો હતો. અગાઉ નાગપુરમાં પણ બે કેસ નોંધાયા હતા. આ વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં નોંધાયો હતો. ત્યાં બે કેસ નોંધાયા હતા, તમિલનાડુમાં બે કેસ અને પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા હતા.