પ્રશાંત કિશોરે ‘જન સુરાજ’ નામે સંસ્થા સ્થાપી છે તે હવે લોકસભા 2024ની ચૂંટણીમાં બિહારમાં અપક્ષ ઉમેદવારોને ટેકો આપવાની છે ત્યારે તેનાથી કોને ફાયદો અને કોને નુકસાન તેની ચર્ચા થવાની
ચૂંટણી વખતે કેટલાક નામો ગાજતા રહે છે અને તેને ગાજતા કરવામાં આવે છે. મુદ્દાઓનું પણ એવું છે, ચૂંટણી આવે ત્યારે અને પછી ગાયબ થઈ જાય. હવે એવું થયું છે કે અમુક મુદ્દાઓ અમુક રીતે જ ચાલે છે, કેમ કે સૂચના હોય છે. સૂચનાનું પાલન બહુ સરસ રીતે થાય તેટલી શિસ્તનો જમાનો આવ્યો છે એટલે રાજી થવું કે ના થવું તે વ્યક્તિગત રીતે નક્કી કરવું. એ જ રીતે પ્રશાંત કિશોર 2014ની લોકસભાની ચૂંટણીથી ગાજ્યા છે અને 2024 લોકસભા પહેલા રિલેવન્ટ રહેવાની કોશિશમાં છે. 2014માં ભાજપની જીતનો જશ લેવાની કોશિશ કરેલી, પણ ભાજપમાં કોઈને એમ જલદી જશ મળતો નથી. પોતાનાને લેવાની મનાઈ છે, ત્યારે પ્રશાંત કિશોર પારકો કહેવાય.
બિહારમાં જન સુરાજ નામે જ પ્રશાંત કિશોરની યાત્રા ચાલી રહી છે. નામ સામાજિક સંસ્થાનું હોય, પણ છેવટે રાજકારણમાં જ પ્રવેશ કરવાનો હોય, પણ તેમાં કોઈ ખોટી બાબત પણ નથી. સામાજિક આંદોલનોમાંથી રાજકારણ પ્રગટતું હોય છે, કેમ કે આખરે તો વિશાળ વર્ગની લાગણી હોય તેની અવગણના રાજકીય પક્ષો કે માણસો કરી શકે નહીં. લોકસભા 2024માં પ્રશાંત કિશોરનું શું તે સવાલનો હજી ઉત્તર મળ્યો નથી. વચ્ચેના સમયમાં કોંગ્રેસમાં પણ આંટો મારી આવ્યા. આંધ્ર અને બંગાળમાં પણ તેમણે કામ કર્યું છે અને આમ જુઓ તો મિક્સ બેગ છે – ક્યાંક સફળતા મળી છે અને ક્યાંક નથી પણ મળી. તેથી 2024માં શું કરશે તે સવાલ થવાનો.
બિહારમાં જન સુરાજની યાત્રાઓ નીકળી રહી છે, પણ તેનો ઉદ્દેશ વિધાનસભાની ચૂંટણી પૂરતો હોય તેવું દેખાય છે. બિહારના રાજકારણમાં તેમને નિતિશ-લાલુ પશ્ચાત તક દેખાઈ રહી છે. લાલુની બીજી પેઢી મેદાનમાં છે, પણ નિતિશ કુમાર પછી કોણ તેનો પણ જવાબ નથી. ભાજપ હજી સુધી બિહારમાં પોતાનો કોઈ નેતા કે પોતાનું મજબૂત સંગઠન ઊભું કરી શક્યો નથી. તેથી એક જગ્યા ખાલી પડવાની છે, ખાસ કરીને એન્ટી આરજેડી એટલે કે તેજસ્વી યાદવની સામે કોઈ એક નેતા મેદાનમાં રહી શકે છે અને તે જગ્યા માટે પ્રશાંત કિશોર પ્રયાસ કરી રહ્યા છે.
જોકે બિહાર પછી રાષ્ટ્રીય કક્ષાએ પણ તેઓ ભૂમિકા માટે મહત્ત્વાકાંક્ષા રાખતા હોય ત્યારે આગામી ચૂંટણીમાં તેમનું પલ્લું કઈ તરફ છે તેની ગણતરી રહેવાની છે. દરભંગામાં પત્રકાર પરિષદમાં તેમણે હવે સ્પષ્ટતા પણ કરી દીધી કે જન સુરાજના નામે હજી પાર્ટી બની નથી એટલે તેના ઉમેદવારો નહીં હોય. તેના બદલે અપક્ષોને ટેકો આપવામાં આવશે. જન સુરાજની વિચારસરણી સાથે સામંજસ્ય ધરાવનારા – એવી વ્યાખ્યા પણ કરવામાં આવી છે. નામ પ્રમાણે સુરાજ એટલે કે ગૂડ ગર્વનન્સ એ એમનો મુદ્દો રહ્યો છે, પણ ભારતમાં માત્ર સુશાસન, ભ્રષ્ટાચારનો વિરોધ, વિકાસના વાયદાથી રાજકારણ ચાલતું નથી. રાજકારણ ચાલવા પાછળ જ્ઞાતિવાદથી પ્રદેશવાદ સુધીના અને રાષ્ટ્રવાદથી સાંપ્રદાયિકતા સુધીના અનેક મુદ્દાઓ ચાલતા હોય છે.
પ્રશાંત કિશોર તેમાં ક્યાં બંધ બેસે છે તે કહેવું મુશ્કેલ છે. દાખલા તરીકે આ જ દિવસોમાં જાહેરાત થઈ છે કે આવતા વર્ષે આંધ્ર પ્રદેશની પણ ચૂંટણી છે ત્યારે તેલુગુ દેસમ પાર્ટી માટે કામ કરતા રહેશે. અર્થાત ભાજપ કે ઈન્ડિયા ગઠબંધન સિવાયના ત્રીજા મોરચાના પ્રાદેશિક પક્ષ સાથે તેઓ હજીય કામ કરતા રહેવાના છે. આંધ્રમાં તેઓ શું કરશે તે આમ બહુ મહત્ત્વનું નથી, કેમ કે ત્યાં જગનમોહન મહત્ત્વના છે. ચંદ્રબાબુના વળતા પાણી છે. તેથી બિહારમાં તેમણે કહ્યું કે અપક્ષોને હર હાલત મેં, પૂરી મજબૂતી સે સાથ આપવામાં આવશે. તેનો સીધો અર્થ તો ઈન્ડિયા ગઠબંધનને નુકસાન અને ભાજપને ફાયદો છે.
બંગાળમાં મમતા બેનરજી સામે ભાજપ ફાઈટ આપી ચૂક્યો છે અને એન્ટી-મમતા (લેફ્ટ પાર્ટીના ગુંડાતત્ત્વો સહિત) લેફ્ટ મતદારોને ભાજપ પોતાની તરફ આકર્ષી શક્યો છે. તેથી મમતાને કોંગ્રેસ પ્લેસ લેફ્ટ સાથે ગઠબંધનથી વધારાનો બહુ મોટો ફાયદો દેખાતો નથી. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે હજીય ટકી ગયા છે, પણ બંનેના પક્ષોને તોડી નાખવાનું એક કામ તો ભાજપે કરી નાખ્યું છે. માત્ર બિહારમાં કંઈ મોટા ધડાકા થઈ શક્યા નથી. પાસવાનની પાર્ટીને આમ તોડી નાખી છે અને કાકા-ભત્રીજાને ત્યાં લડાવી માર્યા છે, પણ તેનાથી થનારા ફાયદાથી આગળ વધીને ભાજપે આરજેડી-જેડીયુના ગઠબંધનને નુકસાન કરવા માટે કંઈક કરવું પડે તેમ છે.
પ્રશાંત કિશોર તે કામ સામે ચાલીને કરવા તૈયાર થઈ ગયા છે ત્યારે હવે તેમને પણ ભાજપની બી ટીમની યાદીમાં ગણાવાનું શરૂ થઈ જશે. વાત સાચી કે ખોટી, પણ બી ટીમ તરીકેની છાપ સામે હવે પ્રશાંત કિશોરે પોતાની પ્રચારની કૂનેહને કામે લગાવીને પોતે પોતાનું રાજકારણ કરી રહ્યા છે, ભાજપને ફાયદો કરાવી રહ્યા નથી તે સાબિત કરવાનું રહેશે. બાકીનું સાબિત તો પરિણામો પછી થશે.