રેસમાંથી પરેશ એક નહિ દુધાત,રોહન,સોલંકી, ઠાકોર,હિંમતસિહ,પરમાર પણ બહાર નિકળી ગયા છે….
વકત ને કિયા કયા હસીન સિતમ તુમ રહે ના તુમ,હમ રહે ના હમ. કોંગ્રેસ હાઇકમાન્ડની મનોસ્થીતિ આજકાલ આવી જ હશે. જુની હિન્દી ફિલ્મના સેડ સોંગ્સની ફિલિંગ કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આવતી હશે. આઝાદી પહેલાં જે પક્ષના મૂળિયા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને જવાહરલાલ નહેરુ સહિતના દિગ્ગજોએ નાંખ્યા હતાં એ પક્ષની હાલત આજે ખુબ દયાનિય થઇ ગઇ છે. મતદારો કેટલાક રાજયોને અપવાદરૂપ ગણીએ તો કોંગ્રેસને મત નથી દેતાં. પરંતુ જે રાજયોમાંથી કોંગ્રેસ લાંબા સમયથી સતા બહાર થઇ ગઇ છે એવા રાજયોમાં હવે કોંગ્રેસના પ્રાદેશીક નેતાઓ પણ હાઇકમાન્ડનો કમાન્ડ નથી માનતાં. વાત લાંબી ખેંચવાને બદલે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને ઉમેદવારોની પસંદગી માટે જે લાચારી ભોગવવી પડે છે એ જોતાં કહિ શકાય કે આટલાં ખરાબ તબકકામાંથી કોંગ્રેસ ક્યારેય પસાર નથી થઇ. ભાજપએ ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો જાહેર કરી દીધા બાદ પણ કોંગ્રેસ તેના ઉમેદવોર જાહેર કરવામાં અનેક પડકારોનો સામનો કરી રહી હતી. ગઇ કાલે કોંગ્રેસે ૧૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા. રાજકોટની હાઇવોલ્ટેજ બેઠક બની શકે તેમ હતી એ બેઠક માટે નકકી કરેલ નામ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવા ઇન્કાર કરી દીધો. પાર્ટીને એમ હતું કે પરેશનું નામ જાહેર કરી દેશું તો પરેશ પાર્ટીની લાગણીને માન આપીને ચૂંટણી લડશે. પરંતુ પરેશે રેસમાંથી બહાર જ રહેવાનું ધરાર પસંદ કર્યુ.
પાર્ટી ચાંદલો કરવા આવે અને મુરતિયો ના પાડે એવું માત્ર ધાનાણીના કેસમાં જ નથી થયુ. અગાઉ પ્રતાપ દુધાત,રોહન ગુપ્તા,ભરત સોલંકી, જગદીશ ઠાકોર,હિંમતસિંહ પટેલ,શૈલેષ પરમાર પણ લોકસભાની ચૂંટલી લડવા પક્ષને ના પાડી ચુકયા છે. પાર્ટીનો આદેશ પણ તેમણ માન્યો નથી. રોહન ગુપ્તાએ તો નામ જાહેર થયા બાદ પલટી મારી છે.
આવુ થવા પાછળના બે ત્રણ કારણ મુખ્ય છે. સૌ પ્રથમ કોંગ્રેસ હાલ તેમના ખરાબ તબકકામાંથી પસાર થઇ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ સંગઠન એકજુટ થઇને લડી શકે તેમ નથી. આથી ઉમેદવારને પરાજયનો ડર લાગે છે. બીજુ ચૂંટણી ખુબ ખર્ચાળ થઇ ગઇ છે. જે ચુંટણી લડે તે ઉમેદવારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે. પાર્ટી પાસે પૈસા નથી એ ગાણા ગાય છે. ત્રીજુ કારણ ભાજપના વાવાઝોડામાં દેરક બેઠક ઉપર પક્ષના ધારાસભ્યો,જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયતો તુટી છે. લોકસભાના ઉમેદવારનો મુખ્ય ટેકો જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયો, મનપા અને નગરપાલિકામા તેમના સંગઠનના સમર્થકો હોય છે. આમ લશ્કર વિના યુધ્ધ લડવાની વાત છે. ભાજપની પ્રચંડ તાકાત સામે પરાજય નિશ્ચિત ભાળી ગયેલા રાજકીય નેતાઓ પોતાનું રહયુ સહયુ રાજકીય ભાવિ ગિરવે મૂકવા માંગતાં નથી. બીજુ કોંગ્રેસે ઘણા વર્ષો રાજ કર્યુ છે. ફંડની કમીની વાત હાઇકમાન્ડ કરે છે તે સ્થાનિક નેતાઓને ગળે ઉતરતી નથી. કોગ્રેસ હાઇકમાન્ડ રોદણાં રડતી હોય તે પણ સ્થાનિક નેતાગીરીને પસંદ હોય તેમ લાગતું નથી. હાલના સંજોગોમાં ગાંઠના ખર્ચે ગોપીચંદન કરવા ન માગતાં હોય એવા નેતાઓ કોંગ્રેસમાં હોવા છતાં ચૂંટણી લડવા ઇન્કાર કરી રહયા છે.