ભોળાનાથની પૂજા લિંગરૂપે થાય છે. વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે, તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. શિવજી જ એક એવા દેવ છે જેમના શિવલિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત તવંગર, ગરીબ, ઊંચનીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે. શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બીલીપત્રનું વિશેષ મહત્ત્વ છે. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નો જેવાં કે, રુદ્રાક્ષ, ત્રિશૂળ, ડમરું વગેરેની પૂજા પણ કરાય છે.
શ્રી શિવમહાપુરાણના સૃષ્ટિખંડમાં વર્ણન છે કે બ્રહ્માજીના પુત્ર સનતકુમાર વેદવ્યાસજીને ઉપદેશ આપતાં કહે છે કે દરેક ગૃહસ્થે દેહધારી સદ્ગુરુ પાસેથી દીક્ષા લઈને પંચદેવો (શ્રી ગણેશ, સૂર્ય, વિષ્ણુ, દુર્ગા અને શંકર)ની પ્રતિમાઓનું દરરોજ પૂજન કરવું જોઈએ. ભોળાનાથ શિવજી જ સૌનાં મૂળ છે, મૂળ (શિવજી)ને સીંચવાથી બધા જ દેવતાઓ તૃપ્ત થઈ જાય છે, પરંતુ બધા જ દેવતાઓને તૃપ્ત કરવા છતાં પણ પ્રભુ શિવ તૃપ્ત થતા નથી. આ રહસ્ય દેહધારી સદ્ગુરુ પાસેથી દીક્ષિત વ્યક્તિ જ જાણે છે. સૃષ્ટિના પાલનકર્તા ભગવાન વિષ્ણુએ એક વાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી સાથે નિર્ગુણ, નિરાકાર, અજન્મા બ્રહ્મ (શિવ)ને પ્રાર્થના કરી, `હે પ્રભુ, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ છો?’ શિવજી બોલ્યા, `મને પ્રસન્ન કરવા માટે શિવલિંગનું પૂજન કરો. જ્યારે કોઈ પ્રકારનું સંકટ કે દુ:ખ આવી પડે તો શિવલિંગનું પૂજન કરવાથી સમસ્ત દુ:ખોનો નાશ થાય છે.’
(શ્રી શિવમહાપુરાણ, સૃષ્ટિખંડ)
જ્યારે દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો અને પછી પશ્ચાતાપ કર્યો ત્યારે શ્રી વિષ્ણુએ નારદજીને પશ્ચાતાપ કરવા માટે શિવલિંગનું પૂજન, શિવભક્તોનો સત્કાર, દરરોજ શિવશત નામનો જપ વગેરે ક્રિયાઓ જણાવી.
(શ્રી શિવમહાપુરાણ, સૃષ્ટિખંડ)
એક વાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી દેવતાઓને લઈને ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે પરમતત્ત્વને જાણવા માટે પહોંચ્યા. શ્રી વિષ્ણુએ બધાને શિવલિંગની પૂજા કરવાની આજ્ઞા આપી અને વિશ્વકર્માને બોલાવીને દેવતાઓ અનુસાર અલગ-અલગ દ્રવ્યમાંથી શિવલિંગ બનાવી આપવાની આજ્ઞા આપી અને પૂજાવિધિ પણ સમજાવી.
(શ્રી શિવમહાપુરાણ, સૃષ્ટિખંડ)
રુદ્રાવતાર હનુમાનજીએ રાજાઓને કહ્યું, `શ્રી શિવજીની પૂજાથી ઉત્તમ બીજું કોઈ તત્ત્વ નથી.’ હનુમાનજીએ એક શ્રીકર નામના બાળકને શિવપૂજાની દીક્ષા આપી. તેથી હનુમાનજીના ભક્તોએ પણ ભગવાન શિવની પ્રથમ પૂજા કરવી જોઈએ.
(શ્રી શિવમહાપુરાણ, કોટીરુદ્ર સંહિતા)
શિવપાર્થેશ્વર પૂજન
શ્રાવણ માસમાં પાર્થેશ્વર પૂજનનું મહત્ત્વ પણ વિશેષ છે. જેમાં શિવ ઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે.