અથ ચેત ત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યતિ ।
તત: સ્વધર્મમ્કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સસિ ॥2/33॥
અકીર્તિમ્ય અપિ ભૂતાનિ કથયિષ્યન્તિ તે અવ્યયામ્ ।
સંભાવિતસ્ય ય અકીર્તિ: મરણાત અતિરિસ્યતે ॥2/34॥
અર્થ : તેમ છતાં જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ત્યજી પાપને પામીશ. બધાં તારી અપકીર્તિ ગાશે અને માન પામેલ મનુષ્યને મરણ કરતાં અપકીર્તિ અધિક દુ:ખદ થઈ પડે છે.
શ્લોકમાં ભગવાન અર્જુનને યોદ્ધા તરીકે આ ધર્મયુદ્ધ કરવા મળ્યું છે તેને અહોભાગ્ય સમાન ગણાવ્યા બાદ અત્રે જણાવે છે કે જો તે આ ધર્મયુદ્ધ નહીં કરે તો તેણે તેના સ્વધર્મનો ત્યાગ કરેલો ગણાશે. વળી, નવાઈની વાત એ પણ ચર્ચાઈ શકે કે આટલો બધો સમર્થ યોદ્ધો યુદ્ધથી કેમ ડરી ગયો હશે? શું તે ડરપોક બની ગયો હશે? શું તેનું સામર્થ્ય નિષ્ફળ ગયું હશે? તેની વિદ્યા તે ભૂલી ગયો હશે? શું તેનાથી કોઈ પાપકર્મ તો નહિ થયું હોય જેના કારણે આ વિદ્યા નિષ્ફળ નીવડી હોય? આવી જાત જાતની શંકા-કુશંકાઓ તેના માટે લોકો કરવા લાગશે અને આ સ્થિતિ તેના માટે અસહ્ય બની જશે. આવી અપકીર્તિ સાથે જીવન જીવવા કરતાં તે યુદ્ધના મેદાનમાં મરી ખપવું ઉત્તમ ગણાય. તમે જેના માટે પૂરેપૂરી પાત્રતા ધરાવો છો, સામર્થ્ય ધરાવો છો તેવું કાર્ય તમે કોઈ જ વાજબી કારણ વિના ત્યજી દો તો સ્વાભાવિક રીતે જ લોકો તમને તેના માટે હજાર સવાલો પૂછી શકે છે અને કોઈ સવાલ પૂછવા ન આવે, પણ તમારા યુદ્ધ નહિ કરવાના નિર્ણય બાબતે જાતજાતના તર્કવિતર્કો કર્યા કરે તે કેટલે અંશે વાજબી ગણાય? એટલે ભગવાન આવી અપકીર્તિ વહોરવાને બદલે યુદ્ધ કરવા અર્જુનને આહ્વાન આપે છે.
યદા તે મોહ કલિલં બુદ્ધિર્વ્યતિત રિષ્યતિ ।
તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ॥2/52॥
અર્થ : જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડ(અંધકાર)ને તરી જશે ત્યારે તને પણ સાંભળવા યોગ્ય અને નહિ સાંભળેલ બંનેનો વૈરાગ્ય થશે.
ભગવાન કહે છે કે જ્યારે બુદ્ધિ પરથી મોહનું પડળ હટી જાય છે ત્યારે જ તેને વૈરાગ્ય સૂઝે છે. મોહને કીચડ કહ્યો છે, કીચડ એટલે એક પ્રકારની ગંદકી. મોહમાં પહેલાં સારું લાગે છે, એની શરૂઆત ભીની માટી જેવી છે. શરૂઆતમાં એ ખૂબ સરસ લાગે. મનને અને તનને ગમી જાય છે, પણ ભીની માટીમાં જેમ જેમ પાણી વધારે પ્રમાણમાં ભળે છે, લોકોની ત્યાંથી ચહલપહલ વધી જાય છે ત્યારે એ કાદવ અને કીચડ બની જાય છે અને કીચડમાં મોટાભાગે શું થાય છે? લપસી પડવાનું બને છે. એકવાર લપસો એટલે ગયા કામથી. શરીરમાં ભાગતૂટ થાય, અસહ્ય પીડા થાય, બીજાં બધાં કામ અટકી જાય એ જુદું. આમ, મોહ એ કીચડ સમાન છે. કીચડ જેમ લપસાવે છે તેમ મોહ પણ લપસાવે છે. એટલે જ આ કાદવરૂપી મોહથી બુદ્ધિને દૂર રાખવાની છે. મોહનું બીજું નામ અંધકાર છે. અંધકાર એટલે કાળાશ. કાળાં કર્મનું ઉત્પત્તિ સ્થાન. બુદ્ધિ એવી છે કે એના ઉપયોગથી તમે સારાનરસાનો ભેદ પારખી શકો છો. બુદ્ધિ જ તમને નીતિ અને અનીતિની સમજણ આપે છે. જો આ બુદ્ધિ પર તમે કોઈ પણ જાતના મોહનો છાંયડો પડવા નહીં દો તો તમને આ લોકમાં અને પરલોકમાં વૈરાગ્ય સહજતાથી પ્રાપ્ત થશે. મોહ જાય એટલે તમે સંસારની જે વાતો સાંભળી છે કે હજુ સાંભળવાની બાકી છે તે તરફ તમારું ધ્યાન જ જતું નથી. તમારામાં સંસાર પ્રત્યે, માયાનાં તત્ત્વો પ્રત્યે વૈરાગ્યનો ભાવ અચૂક પ્રગટે છે, માટે મોહને બુદ્ધિથી દૂર રાખવો એ જ ઈષ્ટ છે