મહા કુંભ ૨૦૨૫ : ધર્મ અને આસ્થાના સમન્વય એવા મહા કુંભ ૨૦૨૫ શરૂ થવા જઈ રહ્યું છે.ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી એમ આ મહાકુંભ ૪૫ દિવસ સુધી ચાલશે.આ દરમિયાન હજારો ભક્તો અહીં પહોંચશે.એક ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત, મહાકુંભ 2025 આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે. ઉદ્યોગપતિઓ પણ મહાકુંભમાંથી મોટી કમાણીની આશા રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગતરોજ એટલે કે શુક્રવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે રૂ.૫૫૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
મહાકુંભમાં આ વર્ષે આટલી સંખ્યા રહી શકે છે
આ વખતે મહાકુંભ ખૂબ જ ભવ્ય થવાનો છે. પ્રયાગરાજમાં યોજાનાર 2025ના મહાકુંભમાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી અપેક્ષા છે, જ્યારે 25 કરોડ ભક્તો 2019ના કુંભમાં પહોંચ્યા હતા.આ વખતે મેળાના મેદાનનો વિસ્તાર 4,000 હેક્ટર છે, જે 2019 કરતા 20% વધુ છે. આ વિસ્તારને 25 સેક્ટરમાં વહેંચવામાં આવશે. એ જ રીતે, આ વખતે ટેન્ટ સિટીનું કદ પણ 2019ની સરખામણીમાં બમણું છે, તેમાં કુલ 1.6 લાખ ટેન્ટ હશે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જોતા અનેક ઘાટો કોંક્રીટ બનાવવામાં આવ્યા છે.
ભવ્ય આયોજનથી દરેકને મળી રહી છે રોજગારી
જોકે કુંભ મેળો એક આધ્યાત્મિક પ્રસંગ છે, પરંતુ તેનાથી સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓને કારણે ૨૦૧૯ માં વિવિધ ક્ષેત્રોમાં છ લાખથી વધુ કામદારો માટે રોજગારીની તકો ઊભી થઈ હતી.આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે વહીવટીતંત્ર અથાક પ્રયાસો કરી રહ્યું છે. આ વખતે પહેલા કરતા વધુ હંગામી પુલ બનાવવામાં આવી રહ્યા છે. ૨૦૧૯ માં તેની સંખ્યા ૨૨ હતી, જે આ વખતે ૩૦ થી વધુ છે.આ સિવાય ૪૦૦ કિલોમીટરના કામચલાઉ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટોનું નેટવર્ક ફેલાવવામાં આવી રહ્યું છે. તેની સંખ્યા ગત વખતના ૪૦,૦૦૦ થી વધારીને ૬૭,૦૦૦ કરવામાં આવી છે. આ રીતે આસ્થાના આ તહેવારે મોટી સંખ્યામાં લોકોને રોજગાર અને કામ પૂરું પાડ્યું છે.આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જોતા અનેક ઘાટનું કોન્ક્રીટીંગ કરવામાં આવ્યું છે.આ બધામાં કાર્યમાં વિવિધ કંપનીઓ કામે લાગી છે જેથી તેઓ પણ કમાણી કરશે.
સ્વચ્છતા સાથે ગ્રીન એનવાયરમેન્ટ મહાકુંભ
આ વખતે, સ્વચ્છતા અને ગટરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, મેળાના મેદાનમાં ૧.૫ લાખ શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે અને તેને સ્વચ્છ રાખવા માટે ૧૦,૦૦૦ સ્વચ્છતા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.સરકારે ઈવેન્ટ પહેલા ૩ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરીને હરિયાળો કુંભ યોજવા માટે વધારાના પ્રયાસો કર્યા છે. જ્યારે ૨૦૧૯ માં, મોટાભાગની હરિયાળી પોટેડ છોડ હતી.અધિકારીઓએ જણાવ્યું કે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ૫૫૦ થી વધુ શટલ બસો અને ૭૦૦૦ રોડવેઝ બસો ચલાવવામાં આવશે. બસ સ્ટેશનની સંખ્યા ગત વખતથી પાંચથી વધારીને સાત કરવામાં આવી છે.
૨૦૧૯માં ૧.૨ લાખ કરોડ આવક મળી હતી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે મહાકુંભ દરમિયાન ભક્તોની સુવિધા માટે રેલવે ૩૦૦૦ વિશેષ ટ્રેનો સહિત લગભગ ૧૩,૦૦૦ ટ્રેનો દોડાવશે. તેમને આશા છે કે આ સમયગાળા દરમિયાન લગભગ ૧.૫ કરોડથી ૨ કરોડ મુસાફરો ટ્રેન દ્વારા પ્રયાગરાજ પહોંચશે.એક રિપોર્ટ અનુસાર, ૨૦૧૩ માં યોજાયેલા છેલ્લા મહાકુંભમાંથી કુલ રૂ. ૧૨,૦૦૦ કરોડની આવક થઈ હતી, જેમાં એરપોર્ટ અને હોટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો સામેલ હતો, ૨૦૧૯ ના કુંભમાં આ આંકડો રૂ.૧.૨ લાખ કરોડ હતો.
માર્કેટિંગ પાછળ ૩૦૦૦ કરોડ ખર્ચાશે
ઉદ્યોગો મહાકુંભને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ટુરિઝમ સહિત વિવિધ કંપનીઓને આશા છે કે તેઓને અહીંથી તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અસંખ્ય તકો મળી શકે છે.તેથી,ઉદ્યોગ મહાકુંભમાં બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર ઓછામાં ઓછા ૩૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહ્યું છે. હિન્દુસ્તાન યુનિલિવરથી લઈને EV કંપનીઓએ પણ તેમાં રસ દાખવ્યો છે.એક અહેવાલ મુજબ કંપનીઓ વ્યવસાયિક લાભ માટે વિશ્વાસના આ સંગમમાં ડૂબકી મારવા માંગે છે.તે માર્કેટિંગ, સ્ટોલ લગાવવા માટે પહેલા કરતાં વધુ ખર્ચ કરી રહી છે, તેણે ડિસ્ટ્રીબ્યુટરની નિમણૂક પણ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, ઘણી કંપનીઓ આધ્યાત્મિક પેકેજ પણ લોન્ચ કરી રહી છે.ડાબર જેવી કંપનીઓએ આ ઈવેન્ટ માટે ખાસ તૈયારીઓ પણ કરી છે.
અર્થવ્યવસ્થા પર મોટી અસર પડશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે મહાકુંભની રાજ્યની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડશે. સરકારે ૨૦૨૪-૨૫ ના બજેટમાં મહા કુંભ માટે ૨,૫૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.તે જ સમયે, કેન્દ્રએ મહાકુંભ માટે ૨,૧૦૦ કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટને મંજૂરી આપી છે.એકંદરે આસ્થાનો મહાકુંભ આર્થિક પ્રવૃત્તિઓનો પણ મહાકુંભ સાબિત થવાનો છે.