પંજાબની દરેક ગલીમાં એક સગું કેનેડા રહે છે, પણ હવે કેનેડામાં ઇમિગ્રેશન મુશ્કેલ છે ત્યારે બીજા કોઈ પણ દેશમાં જવા પંજાબીઓ તૈયાર છે, કેમ કે બસ બહાર જવું છે…
ફ્રાન્સમાં એક વિમાન અટકાવાયું, જેમાં 70 ટકા પંજાબીઓ હતા, 20 ટકા ગુજરાતીઓ હતા અને બાકીના 10 ટકા. આ ચાર્ટર વિમાન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. નિકારાગુઆમાં શું કામ હશે એ કંઈ કહેવાની વાત નથી, એ તો એક ઉતારો છે. નિકારાગુઆથી મેક્સિકો અને મેક્સિકોથી પછી અમેરિકાની સરહદમાં ગમે તેમ કરીને ઘૂસી જવાની વાત હતી. ડન્કી નામની ફિલ્મ પણ આવી, તેમાં પણ વિદેશ જવાની ઘેલછાની વાત છે. મૂળ પંજાબી શબ્દ છે ડોન્કી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરનારો… વણજારા જેવું. વણજારા ફરતા રહે છે, પણ તેમનું એક ચક્કર હોય છે. ચક્કર મારીને ફરી ઘરે આવે. ડોન્કીમાં અન્યત્ર વસી જવાની વાત છે.
અન્યત્ર વસી જવાની વાત આદિકાળથી ચાલતી આવે છે. મનુષ્ય ક્યાંનો ક્યાં પહોંચ્યો છે. એક જગ્યાએ ડેરા તંબુ તાણ્યા હોય, પછી બેથી ત્રણ પેઢી ત્યાં સ્થિર થાય અને પછી તેમાંથી કેટલાક થોડે દૂર જતા રહે. એમના ડેરા તંબુ ત્યાં લાગે અને પછીની પેઢી ત્યાંથી વળી દૂર ક્યાંક જતા રહે. આજે અમેરિકા ખંડમાં આખી દુનિયાને જવું છે, કેમ કે સમગ્ર દુનિયાની સમૃદ્ધિ તણાઈને ત્યાં એકઠી થઈ છે. બાકીના ખંડોથી દૂર અમેરિકા ખંડમાં આદિમાનવ કેવી રીતે પહોંચ્યો હશે તેની નવાઈ લાગે. સાઈબિરિયામાંથી અલાસ્કા થઈને માણસ ત્યાં પહોંચ્યો હતો. હિમયુગ હતો ત્યારે દરિયો પણ ઠરી ગયો હતો. એટલે બરફ પર ચાલતા ચાલતા કેટલીક પેઢીઓ ત્યાં પહોંચી ગઈ અને બરફ ઓગળ્યો અને એ હિસ્સો બાકીના ખંડથી સદીઓ સુધી અલગ રહ્યો.
મૂળ વાત એ છે કે આજે ભારતમાંથી યુવાનોને વધારે સારી તક માટે વિદેશ જવું છે. તેનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે ઇમિગ્રેશન માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ દરવાજાને અધૂકડા બંધ કરી રહ્યા છે. અથવા કહો કે દરવાજા ખુલ્લા છે, પણ ભીડ વધારે છે એટલે મુંબઈની લોકલ ટ્રેનના પહોળા દરવાજામાં પણ ઝડપથી જોર કરીને ઘૂસી જવું પડે નહિતો ટ્રેન ઉપડી જાય. પહોળા દરવાજામાં પ્રવેશવા માટે એટલો ધસારો હોય કે ઘણા અંદર નથી પણ ચડી શકતા. એ સંજોગોમાં પંજાબમાંથી વિદેશ જનારો પ્રવાહ હવે કેનેડાની જગ્યાએ અન્યત્ર જવા માટે પણ વિચારવા લાગ્યો છે.
કેરળ, પંજાબ, આંધ્ર, તામિલનાડુ અને દિલ્હી આ પાંચ રાજ્યોમાંથી ટકાવારીમાં સૌથી વધારે ઇમિગ્રેશન થાય છે. ગુજરાત હજી ટોપ ફાઇવમાં નથી, કેમ કે કામદારોની બાબતમાં સૌથી વધુ કેરળથી લોકો જાય છે, જ્યારે આઈટીમાં આંધ્ર અને તામિલનાડુમાંથી યુવાનો જાય છે. દિલ્હીનો પાંચમો નંબર છે, પણ ત્યાંથી જનારા પણ મૂળ તો આગળના ચાર રાજ્યોના લોકો જ હોય છે. મહારાષ્ટ્રનો આંકડો છે, તેમાં પણ મુંબઈથી જનારા ગુજરાતી હોય છે. પરંતુ ગુજરાતીઓ યુનિક સ્થિતિમાં છે કે તે મજૂરી માટે પણ નથી જતા અને શ્રમિકો તરીકે પણ નથી જતા. ગુજરાતમાં શિક્ષણના કંઈ ઠેકાણા નથી એટલે સારો સોફ્ટવેર એન્જિનિયર ગુજરાતમાં શોધ્યો જડે નહીં. મજૂરી કરવા જવાની જરૂર નથી. એટલે મૂળભૂત રીતે કમ્યુનિટી આધારે અને બિઝનેસ આધારે ગુજરાતીઓ વિદેશ જાય છે.
મધ્ય પૂર્વનો મેજોરિટી મજૂર અને કારિગર વર્ગ કેરળથી ગયેલો છે એટલે સંખ્યામાં તે આગળ છે, પણ પછી બીજા નંબરે પંજાબ જ આવે છે. પંજાબી શીખોનું એક જૂથ એક સદી પહેલાં કેનેડાના વાનકુંવરમાં વસી ગયું હતું. તે પછી તેમણે સગાઓ અને પરિચિતોને બોલાવવાનું શરૂ કર્યું અને એક પ્રવાહ શરૂ થયો. પરંતુ હાલમાં ઇમિગ્રેશન અને વીઝાનું કામકાજ કરનારા લોકોનું કહેવું છે કે હવે કેનેડા સિવાય બીજા કોઈ પણ દેશમાં જવા માટે યુવાનો ડેસ્પરેટ બની રહ્યા છે. દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો એક અંદાજ આના પરથી આવે છે. એ ખરું કે કેનેડામાં યુવાનો પર વિદેશ જવાનો ક્રેઝ અને સોશ્યલ પ્રેશર હોય છે, પરંતુ રોજગારી સામેનો સવાલ પણ છે. ઇધર ક્યાં રખ્ખા હૈ એવો જવાબ મળતો હોય છે.
સર્વે અનુસાર જોબ સેટિસ્ફેક્શન નથી મળતું તેવો જવાબ આપનારામાં ટકાવારીમાં સૌથી વધુ પંજાબીઓ છે. સમગ્ર ભારતના યુવાનોને પૂછવામાં આવ્યું કે જોબ સેટિસ્ફેક્શન કેવું છે ત્યારે 41 ટકાએ કહ્યું કે ખરાબ છે. પરંતુ માત્ર પંજાબનો આંકડો અલગ તારવો તો 78 ટકા પંજાબી યુવાનોએ કહ્યું કે જોબ સેટિસ્પેક્શન બેડ છે, ખરાબ છે. પંજાબ અને ચંડિગઢની કુલ વસતિના બે ટકા લોકો વિદેશ જવા માગે છે. બે ટકા પ્રમાણે આંકડો કાઢો તે મોટો લાગે છે, પણ ટકાવારીની રીતે થોડી રાહત પણ આપે છે કે ઘણો નાનો વર્ગ વિદેશ જવા માગતો હોય છે.
હાલના સમયમાં કેનેડા અને અમેરિકા અઘરા થઈ રહ્યા છે ત્યારે સાયપ્રસ, ક્રોએશિયા, માલ્ટા જેવા નાના દેશમાં જવા મળે તો ત્યાં પણ જવા માટે પંજાબી યુવાનો તૈયાર છે. ગણતરી એ હોય છે કે થોડા વર્ષ વિદેશમાં જવાથી આર્થિક ક્ષમતા વધશે. પંજાબમાં કે ભારતમાં કામ કરીએ તો જીવી શકાય, પણ બચત ના થાય. વિદેશમાં એ જ મહેનત કરીએ તો બચત થાય. બચતથી ગામડે આવીને સમૃદ્ધિ દેખાડવાનો સંતોષ પણ મળે. પછી એ સમૃદ્ધિનો બેઝ બનાવીને, કોઈ પણ એક નાના દેશમાં પણ થોડા સ્થિર થયા પછી નેક્સ્ટ પેઢીને પ્રથમથી જ તૈયાર કરીને યુરોપ અને અમેરિકા મોકલી શકાય. પછી વધારે જાહોજહાલી સાથે ગામડે રહી શકાય. એટલે ટૂંકમાં વિદેશ કમાણી માટે જવાની વાત છે એ રીતે વિચારો તો એ તો આપણી જૂની રીત થઈ. પરદેશ જઈને કમાણી કરવા વાત… તેના લોકગીતો અને લોકકથાઓ યાદ કરો. અને ચિંતા ના કરો.