મહિલા અંડર-19 એશિયા કપ T20 ટૂર્નામેન્ટ 15 ડિસેમ્બરથી શરૂ થઈ હતી. દરમિયાન, સોમવારે ગ્રુપ બીની મેચમાં પાકિસ્તાન અને નેપાળ સામસામે હતા, જેમાં નેપાળે 6 વિકેટે જીત મેળવીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. હવે નેપાળે અંડર-19 એશિયા કપના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાની બંને મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પહેલા રમતા પાકિસ્તાનની મહિલા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 104 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમે એક ઓવર બાકી રહેતાં 6 વિકેટે મેચ જીતી લીધી હતી.
નેપાળે પાકિસ્તાનને ચટાડી ધૂળ
નેપાળની કેપ્ટન પૂજા મહતોને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી હતી. પ્રથમ, તેણે તેની 4 ઓવરના બોલિંગ સ્પેલમાં 27 રન આપીને 2 વિકેટ લીધી. બેટિંગની વાત કરવામાં આવે તો પૂજાએ 47 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને યાદગાર જીત અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. એક સમયે પાકિસ્તાન માટે 100 રન બનાવવું મુશ્કેલ લાગતું હતું, પરંતુ કોમલ ખાને 38 રન બનાવ્યા અને માહમ અનીસ 29 રનની ઇનિંગ્સ રમીને તેમની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.
પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર
મહિલા અંડર-19 એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા હતા. ગ્રુપ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા જ પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. જો પાકિસ્તાનની ટીમ સુપર-4માં પ્રવેશવા માંગતી હોય તો તેણે નેપાળ સામે કોઈપણ ભોગે જીત મેળવવી હતી. વેલ, હવે નેપાળે યાદગાર જીત નોંધાવીને સુપર-4 સ્ટેજમાં જગ્યા બનાવી લીધી છે.
જાણો સુપર 4ની સ્થિતી
ગ્રુપ A પર નજર કરીએ તો તેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને ટૂર્નામેન્ટના યજમાન મલેશિયાને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં શ્રીલંકા હાલમાં 2 મેચમાં એક જીત નોંધાવીને ટેબલમાં ટોપ પર છે. આ ગ્રુપમાં બાંગ્લાદેશ અને મલેશિયાની એક મેચ બાકી છે. નેટ રન રેટને જોતા માત્ર શ્રીલંકા અને બાંગ્લાદેશ જ સુપર-4 સ્ટેજમાં જશે તેવી શક્યતાઓ વધારે છે.