યોગ એટલે મન અને શરિરના ઐકત્વનો સંયોગ
જેમ ભુખ્યા પેટે ભજન ન થઇ શકે તેમ અશાંત પરિસ્થિતીમાં યોગ પણ પરિણામ ન આપી શકે
ભગવાન શિવને આદિ યોગી કહેવાય છે. ઋષિ મૂનિઓ,હઠ યોગીઓ,સંતો,સાધકો મૂનિઓ દ્વારા સનાતન ધર્મમાં અને હિન્દુ જીવન શૈલીમાં યોગનું વિજ્ઞાન હજારો વર્ષથી વારસામાં ઉતરતું આવ્યુ છે. યોગ શબ્દની સીધો સાદો અર્થ કરીએ તો મન અને શરિરનું ઐકત્વ.સમાયોજન,સંતુલન.વધુ ગુઢ અર્થ જોઇએ તો યોગ એક વિજ્ઞાન છે. બ્રહ્માંડની ઉર્જા સાથે વ્યકિતની ઉર્જાને તાદાતમ્ય સાધી ઉર્જાવાન બનવાની કલા સાધના છે. યોગ,ધ્યાન,સાધના દ્વારા ભગવાન બુધ્ધ,મહાવીર, ઋષિમૂનિઓએ મોક્ષનો માર્ગ કંડાર્યો હતો. બુધ્ધત્વ પામ્યુ હતું. યોગમાં ઉંડા ઉતરેલા સાધકો અને શાસ્ત્રો કહે છે કે વૈશ્વિક ઉર્જાને વ્યકિતમાં ઉતારવાની કલા એ યોગ છે. જેમાં થોડું શારિરિક વોર્મ અપ અને વધુ માનસિક સંતુલન જરૂરી છે નિર્વિચાર અવસ્થા યોગની એક કલા છે. જે વ્યકિત મનના વિચારોને રોકી માત્ર શ્વાસની અવર જવર ઉપર ધ્યાન લગાવી શકે એ માણસ મોક્ષની સ્થીતિનો અનુભવ કરી શકે. એ માણસ ઋષિમૂનિઓએ કહયુ છે એ કૈવલ્ય પ્રાપ્ત કરી શકે. વનનેસ એ આધુનિક શબ્દ છે ,તે સ્થીતિમાં પહોંચી શકે. આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે જીવન માત્ર બાહ્ય રંગ,રાગ,સ્વાદ,ભુખ,ઇચ્છા,વાસનાથી ઉપર લઇ જઇ ન જમીન ઉપર ન આકાશમાં વેઇટલેસ ,ઇગોલેસ યોગ કળાને થોડો સમય સમર્પિત કરવાની જરૂર છે.
ઘણા સફળ માણસો તેમના ડ્રિમ ડસ્ટીનેશન પામ્યા બાદ જીવનમાં નથીંગનેસની સ્થીતિ પામે છે. જેના પાછળ જીંદગીભર દોડયા,તબિયત બગાડી મન અશાંત કર્યુ એ ભૌતિક,સુખ,સાધન,પ્રસિધ્ધી મૃગજળ લાગવા માંડે. કોઇ રાજા ભર્થુહરી બની જાય. કોઇ ધનપતિ જંગલમાં અને યોગગુરુની શોધમાં નિકળી પડે. કોઇ આધ્યાત્મીક શાંતિના માર્ગે પ્રસ્થાન કરે છે. પોતાની સંપતિ છોડીને નિકળી પડે. યોગના શરણે જાય તે યોગ વિજ્ઞાનની તાકાત છે. યોગ જીવનશૈલી છે. સંસારી સાધુ યોગ થકી બની શકાય. જેમ એક વસ્ત્રો ત્યાગ કરીને બીજા વસ્ત્રો પહેરી લઇએ તેમ યોગ સાધનામાં તલ્લીન થઇને મનના દ્વંદમાં એક સ્થીતિને ત્યજી બીજી સ્થીતિમાં પ્રવેશી શકાય છે.
જો કે, યોગ ત્યાગ અને અરણ્યવાસ અથવા એકાંતની સ્થીતિ માંગે છે. આજની સ્થીતિમાં યોગનો જે રીતે પ્રચાર થાય છે અને સરકાર પ્રેરિત યોગ દિવસની ઉજવણી થાય છે તેનાથી યોગની સ્થીતિ જોજનો દૂર છે. જેમ ભૂખ્યા પેટે ભજન ન થાય એવી કહેવત છે. એવી જ સ્થીતિ યોગમાં છે. આપણી આસપાસ રોજીંદી હજારો સમશ્યા હોય ત્યારે યોગ પલાયન ન બની જાય એ ભય પણ રહે. સમશ્યાઓની અનદેખી કરવાથી પલાયનવાદ આવી શકે. તમે નીટની કે નેટની પરીક્ષા માટે આંખો ફોડીને તૈયારી કરી હોય.મા-બાપે તમને ભણાવવા માટે વ્યાજે પૈસા લઇને ફી ભરી હોય. તમે તલાટીની પરીક્ષા દેવા જવાના હો. સેંકડો જગ્યા માટે લાખો લોકો અરજદારો હોય.એ પરીક્ષાઓના પેપર લીક થઇ જાય ત્યારે તમે યોગ કેમ કરી શકો.? તમે રેશનની લાઇનમાં ઉભા હો અને રાશન ખલાસ થઇ જતું હોય એ સ્થીતિમાં આમ આદમી યોગની અવસ્થા પામી શકે ? યોગ તેમને માટે માત્ર શારિરિક કસરત બની રહેવાની સંભાવના વધુ છે. યોગ થકી મનની શાંતિ અને તંદુરસ્તી પામવાનો જે વેદ,શાસ્ત્રોએ માર્ગ બતાવ્યો છે એ પામી શકાય ?
મને લાગે છે ર૧ જુને ઉજવાતો યોગ દિવસ શુભ હેતુ હોવા છતાં હજુ તંદુરસ્ત સમાજના સર્જનની પૂર્વ શરતો વગરનો છે. જે સમાજમાં અરાજકતા,ભ્રષ્ટાચાર,સગાવાદ, સતાના લોખંડી પંજા, દંભ,મૂડીવાદનો પગદંડો એટલો મજબુત હોય ત્યાં અંત્યોદયનુ સવાર દૂર દૂર સુધી નથી દેખાતું. સમાજનો દુર્બળ વર્ગ શોષિત છે. અંતિમ માણસનો ઉદય કરવાની ભાવના વિલય પામી છે. ન્યાય પણ સબળનો,સતા પણ સબળની.સંશાધનો પણ સબળના. જેમને રોજીંદા જીવન માટે સંઘર્ષ કરવો પડતો હોય એવા સામાન્ય વર્ગને માટે યોગ લકઝરી બની રહે છે. તેમનું ભુખ્ય પેટ અને ચિંતિત મન યોગની સ્થીતિ કયા આધારે પામી શકે ?
એટલે જ યોગ શિબિરોની તસવીરો જોઇએ છીએ ત્યારે તેમાં મોટા ભાગે સુખી સંપન્ન વર્ગના લોકો, રાજકિય વિચારધારા પ્રેરિત કાર્યકરો,અગ્રણીઓ,અધિકારીઓ અને સેલિબ્રિટી અને વિદ્યાર્થીઓના પ્રાયોજિત ઝૂંડ હોય છે. યોગ ઇવેન્ટ નહિ જનઆંદોલન બનવો જોઇએ. યોગ ભુતકાળ નથી. યોગ પ્રાચિન નથી. યોગ સર્વકાલિન છે. વ્યકિતગત જીવનમાં ચાર બાય ચારની ઓરડીમા પણ લોકો પૂજા કરી ધ્યાન કરી લ્યે છે. એ પણ યોગનું એક સગવડિયુ સ્વરુપ છે. માણસના બે કાન વચ્ચે વિચારોનો કોલાહલ ન હોવો જોઇએ. રેસકોર્ષની હરિયાળી લોન ઉપર ચિંતાના આસન ઉપર બેસી એક દિવસ યોગ કરવાની કદાચ તંદુરસ્ત સમાજની રચના નહિ થાય. યોગ એક કોસ્મીક વિજ્ઞાન છે. યોગ માટે હાર્મની (સાયુજય) જરૂરી છે. જેમ કુદરતમાં હોય છે. બાહ્ય સ્થીતિ શાંત,સુરક્ષિત,પ્રફુલ્લીત એટલો યોગનો રસ્તો આસાન બને છે. આપણે તંદુરસ્ત સમાજ બનાવવાનો છે. તેમાં યોગ પણ એક આયામ બની શકે. ચિંતિત સમાજમાં માત્ર યોગના સહારે પરિવર્તન કે માણસની તન-મનની તંદુરસ્તીની અપેક્ષા થોડી અપૂર્ણ લાગે છે.