એચોક્કસ છે કે જે વસ્તુ માટે તમે લડો છો તે વસ્તુ તમે ખુદ બનો છો. જો હું ગુસ્સે થયો હોઉં અને તમે મને ગુસ્સાથી મળો તો પરિણામ શું આવે? વધારે ગુસ્સો. જે હું છું તે તમે બનો છો. જો હું દુષ્ટ હોઉં અને તમે મારી સાથે દુષ્ટ ઈરાદાથી લડો તો તમે પણ દુષ્ટ બની જાઓ છો, ભલે તમે મને પોતાને ગમે તેટલા પ્રામાણિક માનતા હો. જો હું પાશવી હોઉં અને તમે મને હરાવવા માટે મારી સામે પાશવી પદ્ધતિનો ઉપયોગ કરો તો તમે પણ મારી જેમ પાશવી બની જાઓ છો.
આમ તો આપણે હજારો વર્ષો સુધી કર્યું છે. ચોક્કસ દ્વેષનો સામનો કરવાનો એવો બીજો કોઈ રસ્તો છે કે જેમાં દ્વેષ સામે દ્વેષ ન હોય. જો હું મારો ગુસ્સો દબાવી દેવા મારી જ સામે હિંસક રીત વાપરું તો હું સાચા હેતુ માટે ખોટાં સાધનોનો ઉપયોગ કરું છું અને એમ કરવાથી સાચો હેતુ માર્યો જાય છે. એમાં સમજણ નથી, તેમાં ગુસ્સાથી ચડિયાતી કોઈ વાત નથી થતી. ગુસ્સાનો અભ્યાસ ધીરજ અને સમજપૂર્વક કરવાનો છે; તેને હિંસક ઉપાયોથી હરાવવાનો નથી. ગુસ્સો ઘણાં કારણોનું પરિણામ હોય તેમ બને અને તે કારણોને સરખી રીતે સમજ્યા વગર ગુસ્સાથી કોઈ પણ રીતે ભાગી છુટાતું નથી.
આપણે દુશ્મનો બનાવ્યા છે, લૂંટારા બનાવ્યા છે અને આમ આપણે ખુદને પણ દુશ્મન બનાવીએ છીએ, આપણે કોઈ પણ રીતે દુશ્મનાવટનો અંત નથી લાવતા. આપણે દુશ્મનાવટનાં કારણો સમજવાં જ જોઈએ અને તેને આપણા વિચારોથી, લાગણીથી અને ક્રિયાથી પોષવાનું બંધ કરવું જોઈએ. આ એક એવું ભારે મહેનત માગી લે તેવું કામ છે કે જેમાં સતત સ્વ-સભાનતા અને બુદ્ધિગમ્ય મુદૃતાની જરૂર પડે છે, કારણ કે આપણે જ સમાજ છીએ, આપણે જ એ રાજ્ય છીએ. દુશ્મન અને મિત્ર આપણા વિચારો અને આપણી ક્રિયાનું જ પરિણામ છે. આપણે જ દુશ્મનાવટ ઊભી કરવા માટે જવાબદાર છીએ અને તેથી આપણે આપણા પોતાના વિચારો અને ક્રિયાઓથી સભાન રહેવું વધારે મહત્ત્વનું છે.
દુશ્મન અને મિત્રની ચિંતા કરવાને બદલે આપણે આપણા વિચારો અને ક્રિયાઓથી સભાન રહેવું જોઈએ, કેમ કે સાચી દિશામાં વિચારવાથી વિભાજનનો અંત આવે છે. પ્રેમ, મિત્ર અને દુશ્મન, બંનેને અતિક્રમી જાય છે, બંનેથી આગળ વધી જાય છે.